અમેરિકાની સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વના ભૂતપૂર્વ વડા બેન બર્નાન્કી સહિત અમેરિકાના ત્રણ અર્થશાસ્ત્રીને સોમવાર (10 ઓક્ટોબર)એ 2022 માટેનો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો. નોબેલ મેળવનારા અમેરિકાના અન્ય અર્થશાસ્ત્રીમાં ડગ્લસ ડાયમંડ અને ફિલિપ ડિબવિગ પણ સામેલ છે. તેમને ‘ગ્લોબલ બેન્કિંગ ક્રાઇસિસ મેનેજમેન્ટ’ માટે આ આ ઇનામ અપાયું હતું.
નોબેલ વિજેતાની જાહેરાત કરતાં સ્વિડિશ એકેડેમીએ જણાવ્યું હતું કે, “વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો અને નાણાકીય નિયમનકર્તાઓએ તાજેતરમાં બે મોટી કટોકટી વખતે અસરકારક પગલાં લીધા હતા. ખાસ કરીને ૨૦૦૮ની મહામંદી અને તાજેતરમાં કોવિડ મહામારી વખતે તેમણે મહત્વના પગલાં લીધા હતા. અર્થશાસ્ત્રીઓને આ પગલાં પર કરેલા રિસર્ચ માટે નોબેલ પુરસ્કાર અપાયો છે.
બર્નાન્કીને તાજેતરની મહામારી અથવા ૨૦૦૮ની આર્થિક કટોકટી પછી ઊભી થયેલી વૈશ્વિક કટોકટીના મેનેજમેન્ટનો પાયો નાખવા બદલ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો હતો. અન્ય બે અર્થશાસ્ત્રીને નાણાકીય ક્ષેત્રના નિયમન અને નબળી બેન્કો કેવી રીતે ૧૯૩૦ના દાયકા જેવી મહામંદી લાવી શકે એ માટેના રિસર્ચ બદલ નોબેલ અપાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ૨૦૦૮ અને ૨૦૦૯માં વિશ્વભરની સરકારોએ બેન્કોને બચાવવી પડી હતી. જેની ભારે ટીકા થઈ હતી. કારણ કે કટોકટીના ભાગરૂપે સામાન્ય ગ્રાહકને તેમના ઘર અને બેન્ક પણ ગુમાવવી પડી હતી. જોકે, નોબેલ વિજેતાઓના રિસર્ચ અનુસાર આ પગલાંને કારણે એકંદરે સમાજને લાભ થયો હતો. ડાયમંડે સ્વિડિશ એકેડેમી સાથેની ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “બેન્કોને બચાવવાથી સમસ્યા ઊભી થઈ હતી, પણ તે સમાજ માટે લાભદાયી હતું.”
ડાયમંડે દલીલ કરી હતી કે, લીમેન બ્રધર્સ જેવી નાણાકીય ક્ષેત્રની કંપનીને ફડચામાં જતી અટકાવવાથી એ સમયની વૈશ્વિક આર્થિક કટોકટી ઓછી ગંભીર બની હતી. ઉલ્લેખનીય છે કે, એ વખતે નોબેલ વિજેતા બર્નાન્કી અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન હતા.
એકેડેમીએ જણાવ્યું હતું કે, “બર્નાન્કીએ આંકડાકીય વિશ્લેષણથી દર્શાવ્યું હતું કે, એક બેન્ક નિષ્ફળ જવાને કારણે લોકોના ધસારાથી અન્ય બેન્કો પણ નબળી પડે છે અને ’૩૦ના દાયકામાં આ જ કારણથી સામાન્ય મંદી ડિપ્રેશન અને ગંભીર કટોકટીમાં ફેરવાઈ હતી.” આ સાથે અર્થશાસ્ત્ર માટે નોબેલ જીતનારા ત્રણ અર્થશાસ્ત્રી પૌલ ક્રુગમેન અને મિલ્ટન ફ્રીડમેન જેવા અગાઉના નોબેલ વિજેતાઓની હરોળમાં આવ્યા છે.