ફ્રેન્ચ લેખિકા એની એર્નોક્સને ગુરુવાર (6 ઓક્ટોબર)એ 2022નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો. સ્વીડનના સ્ટોકહોમ સ્થિત સ્વીડિશ એકેડેમી દ્વારા 2022ના સાહિત્યના પુરસ્કાર માટે ફ્રેન્ચ લેખિકા એની એર્નોક્સની પસંદગી કરવામાં આવી હતી.
સાહિત્યના નોબેલ પુરસ્કારની જાહેરાત કરતાં સ્વીડિશ એકેડેમીએ કહ્યું કે એર્નોક્સના લેખનમાં જાતિ, ભાષા અને વર્ગ સંબંધિત અસમાનતા ઉજાગર થયેલી જોવા મળે છે. લેખિકા તરીકે તેમણે ખૂબ લાંબો અને અઘરો પથ કાપ્યો છે. ઉલ્લેખીય છે કે 2021 નું સાહિત્યનું નોબેલ પારિતોષિક તાન્ઝાનિયાના નવલકથાકાર અબ્દુલરઝાક ગુરનાહને એનાયત કરવામાં આવ્યું હતું.
1940માં જન્મેલાં એર્નોક્સનું પહેલું પુસ્તક ‘ક્લીન્ડ આઉટ’ 1974માં છપાયું હતું. આ પુસ્તકનું મુખ્ય પાત્ર સામાજિક માન્યતાઓ અને વ્યક્તિગત અનુભવો વચ્ચે ઝઝૂમી રહી છે. ત્યારે ફ્રાન્સમાં ગર્ભપાત ગેરકાયદેસર હતો. 2 વર્ષ બાદ નવો કાયદો લાગુ કરાયો હતો. 22 વર્ષ પહેલાં 2000માં છપાયેલા પુસ્તક ‘હેપનિંગ’માં ગર્ભપાતનો મામલો જોર પકડશે તેવો ખતરો વ્યક્ત કરાયો હતો. 2021માં આ પુસ્તક પર આધારિત ફિલ્મ ‘હેપનિંગ’ને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન લાયન પુરસ્કારથી નવાજીત કરાઇ હતી.
એની એર્નોક્સનો જન્મ વર્ષ 1940માં થયો હતો અને નૉર્મેન્ડીના નાના શહેર યવેટોટમાં તેમનો ઉછેર થયો હતો. એનીનું માનવું છે કે લેખન એ એક રાજકીય કાર્ય છે, જે સામાજિક અસમાનતા તરફ આપણી આંખો ખોલે છે. આ હેતુ માટે તે ભાષાનો ઉપયોગ હથિયાર તરીકે કરે છે.
આ વર્ષનું રસાયણશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર ‘અણુઓના એક સાથે વિભાજન’ની પદ્ધતિ વિકસાવવા બદલ કેરોલિન આર. બર્ટોઝ્ઝી, મોર્ટન મેલ્ડલ અને કે. બેરી શાર્પલેસ વચ્ચે સમાન રીતે એનાયત કરવામાં આવ્યું છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સના સેક્રેટરી જનરલ હેન્સ એલેગ્રેને બુધવારે સ્વીડનના સ્ટોકહોમમાં કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટ ખાતે વિજેતાઓની જાહેરાત કરી હતી. તેમનું કામ ક્લિક કેમિસ્ટ્રી એન્ડ બાયોઓર્થોગોનલ રિએક્શન્સ તરીકે ઓળખાય છે.