વર્ષ 2022નો નોબેલ શાંતિ પુરસ્કાર બેલારુસના માનવાધિકાર કાર્યકર્તા એલેસ બિયાલિયાત્સ્કી તથા રશિયાની માનવાધિકાર સંસ્થા મેમોરિયલ અને યુક્રેનની માનવાધિકાર સંસ્થા સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝને શુક્રવાર (7 ઓક્ટોબર)એ એનાયત કરવામાં આવ્યો હતો, જે શાંતિ અને લોકશાહી માટે સામાજિક સંસ્થાઓના મહત્ત્વને દર્શાવે છે.
શાંતિના આ નોબેલ પુરસ્કારને શુક્રવારે 70મી જન્મદિનની ઉજવણી કરી રહેલા રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન અને બેલારુસના પ્રેસિડન્ટ એલેકઝાન્ડર લુકાશેન્કોની ટીકા માનવામાં આવે છે. યુક્રેન પર 24 ફેબ્રુઆરીએ રશિયાના આક્રમક પછીનો આ પ્રથમ એવોર્ડ કોલ્ડ વોર યુગનો પડઘો પાડે છે. કોલ્ડવોર દરમિયાન અગ્રણી સોવિયત એન્ડ્રુઇ સાખારોવ અને એલેકઝાન્ડર સોલ્ઝીનિસ્તીનને સાહિત્યનો નોબેલ પ્રાઇઝ મળ્યો હતો.
1989માં માનવ અધિકાર સંગઠન મેમોરિયલની સ્થાપના ભૂતપૂર્વ સોવિયેત સંઘમાં માનવઅધિકાર કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી, જેનો ઉ્દેશ્ય કોમ્યુનિસ્ટ શાસનના જુલમનો ભોગ બનેલા લોકોને ક્યારેય ભૂલવામાં નહી આવે તે સુનિશ્ચિત કરવાનો હતો. ચેચેન યુદ્ધ દરમિયાન મેમોરિયલ એ રશિયા અને રશિયા તરફી દળો દ્વારા કરવામાં આવેલા અત્યાચારો અને યુદ્ધ અપરાધો વિશેની માહિતી પૂરી દુનિયા સુધી પહોંચાડી હતી. આ સંસ્થાના સહ-સ્થાપક અને પ્રથમ ચેરમેન સાખરોવને 1975નો સાહિત્યનો નોબેલ પ્રાઇઝ મળ્યો હતો.
બિયાલિયાત્સ્કીને એવોર્ડથી બેલારુસના આશરે 1,350 રાજકીય કેદીઓ પર વિશ્વનું ધ્યાન ખેંચવામાં મદદ મળશે. બિયાલિયાત્સ્કી 1980ના દાયકાના મધ્યમાં બેલારુસમાં ચાલુ થયેલી લોકશાહી ચળવળની શરુઆત કરનારાઓમાના એક હતા. તેમણે દેશમાં લોકશાહી અને શાંતિપૂર્ણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમણે 1996માં વિયાસ્ના સંસ્થાની સ્થાપના કરી હતી. તે એક માનવાધિકાર સંગઠન તરીકે વિકસ્યું જેણે રાજકીય કેદીઓ પરના અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો હતા. જેલમાં બંધ એલેસ બિયાલિયાત્સ્કી શાંતિનો નોબેલ પ્રાઇઝ બેલારૂસના તમામ રાજકીય કેદીઓ માટેનો છે, એમ બેલારુસના વિપક્ષી નેતા પાવેલ લાટુશ્કોએ જણાવ્યું હતું.