(Photo by -/AFP via Getty Images)

હિંસક વિરોધ પછી શેખ હસીના વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને ભારતને ભાગી ગયા પછી મંગળવારે બાંગ્લાદેશના પ્રેસિડન્ટ મોહમ્મદ શહાબુદ્દીને સંસદનો ભંગ કરીને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કર્યા હતાં.

પ્રેસિડન્ટ શહાબુદ્દી સાથેની ત્રણેય સેનાના વડાઓ અને ભેદભાવ વિરોધી વિદ્યાર્થી આંદોલનના 13 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે બંગભવન (રાષ્ટ્રપતિ મહેલ) ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વચગાળાની સરકારના અન્ય સભ્યોની નિમણુકને વિવિધ રાજકીય પક્ષો સાથે પરામર્શ કર્યા પછી અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
પ્રેસિડન્ટ મોહમ્મદ શહાબુદ્દીને સોમવાર મોડી સાંજે સૈન્ય સમર્થિત રખેવાળ સરકારની રચના અંગે ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આર્મી ચીફ જનરલ વકર-ઉઝ-ઝમાન, નૌકાદળ અને વાયુસેનાના વડા અને BNP અને જમાત-એ-ઇસ્લામી પાર્ટી સહિત અનેક વિરોધ પક્ષોના ટોચના નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી.
અનામત સિસ્ટમ સામેના બાંગ્લાદેશના હિંસક આંદોલનનું નેતૃત્વ કરી રહેલા વિદ્યાર્થી નેતાઓ માગણી કરી હતી કે તેઓ એવી નવી વચગાળાની સરકાર ઇચ્છે છે જેના વડા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ હોય.

મંગળવારે વહેલી સવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, આંદોલનના મુખ્ય સંયોજકોમાંના એક નાહિદ ઇસ્લામે જણાવ્યું હતું કે તેઓ 84 ​​વર્ષીય યુનુસ સાથે પહેલાથી જ વાતચીત કરી ચૂક્યા છે, જેઓ બાંગ્લાદેશને બચાવવાની જવાબદારી લેવા માટે સંમત થયા છે.અમે નક્કી કર્યું છે કે વચગાળાની સરકારની રચના કરવામાં આવશે જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસ, જેમની વ્યાપક સ્વીકાર્યતા છે.
બીજી તરફ દેશ છોડીને ભારતના ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર પહોંચા શેખ હસીનાને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ મળ્યા હતાં અને હવે એવી ચર્ચા છે કે શેખ હસીના લંડન અથવા ફિનલેન્ડ જઈ શકે છે. જોકે બ્રિટનની લેબર સરકારે તેમના રાજકીય આશ્રય આપવાની હજુ સુધી કોઇ જાહેરાત કરી હતી.

હસીનાએ દેશ છોડતાની સાથે જ બાંગ્લાદેશના આર્મી ચીફે વકાર ઉઝ ઝમાને કહ્યું હતું ‘અમે તમામ પક્ષો સાથે બેઠક કરીને દેશમાં વચગાળાની સરકાર બનાવીશું. અનામત આંદોલન દરમિયાન માર્યા ગયેલા લોકોને હવે ન્યાય મળશે.’
અનામત વિરોધી આંદોલનના કોર્ડિનેટર નાહિદ ઈસ્લામે આજે સવારે કહ્યું કે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવશે. મોહમ્મદ યુનુસનો જન્મ 28 જૂન 1940ના રોજ થયો હતો. તેઓ બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી, બેંકર, સામાજિક ઉદ્યોગસાહસિક અને નાગરિક સમાજના નેતા છે. તેમણે 1961 થી 1965 દરમિયાન બાંગ્લાદેશની ચિત્તાગોંગ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. આ પછી તેમણે વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું.

તેમણે 1983માં ગ્રામીણ બેંકની સ્થાપના કરી હતી. જેમાં ગરીબોને પોતાના નાના પાયાના ઉદ્યોગો શરૂ કરવા માટે લોન આપવામાં આવતી હતી. જેથી બાંગ્લાદેશના લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શકાય. યુનુસના કામના કારણે તેમને 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે 2007માં નાગરિક શક્તિ નામનો રાજકીય પક્ષ પણ બનાવ્યો હતો.

મોહમ્મદ યુનુસને નોબેલ ઉપરાંત બીજા ઘણા એવોર્ડ મળ્યા છે. 2009માં પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ અને 2010માં કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. યુનુસ 2012થી 2018 સુધી સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના ચાન્સેલર પણ રહી ચૂક્યા છે.

LEAVE A REPLY