ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરીના બોમ્બશેલ્સ ઇન્ટરવ્યુ અને પુસ્તક ‘સ્પેર’મા કરાયેલા સનસનાટીભર્યા આક્ષેપો અને દાવાઓ પછી બ્રિટનના શાહી પરિવારને હવે પ્રિન્સ હેરીમાં ‘કોઈ ભરોસો બાકી રહ્યો નથી’.
સમજી શકાય છે કે શાહી પરિવાર તેમના પર લાગેલા કોઈપણ આરોપો બાબતે જાહેરમાં ટિપ્પણી કરે તેવી શક્યતા નથી. આ અંગે ખાનગી રીતે બાબતોની ચર્ચા કરવી એ ઉચ્ચ કક્ષાના રાજવીઓ માટે મર્યાદાની બહાર હોઈ શકે છે. તેમને એ પણ ડર છે કે હેરી સાથેની કોઈપણ વાતચીતનો ઉપયોગ ભવિષ્યમાં તેમની વિરુદ્ધ થઈ શકે છે. એક શાહી સ્ત્રોતે કહ્યું છે કે ‘પહેલાં તો શાહી પરિવારને હેરી પર થોડો (વિશ્વાસ) પણ હતો… પરંતુ હવે તો બિલકુલ ભરોસો રહ્યો નથી’
હેરીએ કહ્યું હતું કે ‘જો નિખાલસ ચર્ચાઓ લીક ન થાય તો’ તે પરિવાર સાથે વાત કરવા તૈયાર છે. આઇટીવીના ન્યુઝ એટ ટેનના એન્કર ટોમ બ્રેડબીને હેરીએ જણાવ્યું હતું કે ‘’હું સમાધાન માટે ખુલ્લો છું અને આંશિક શાહી ભૂમિકામાં પણ પાછો ફરીશ, પણ શરત એ છે કે પરિવાર સાથે ‘નિખાલસ’ વાતચીત કરી શકુ અને તે ખાનગી રહેશે. મને ખબર નથી કે તેઓ આ [ઇન્ટરવ્યુ] જોશે કે નહીં, પરંતુ, તેઓએ મને શું કહેવું છે અને મારે તેમને શું કહેવું છે તે ખાનગીમાં રહેશે, અને હું આશા રાખું છું કે તે આ રીતે રહી શકે છે. આ નિખાલસ ચર્ચાઓ [લીક આઉટ] થાય તે ઇચ્છતો નથી.