એલન મસ્કની આગેવાની હેઠળની ટેસ્લા સાથે ભાગીદારી અંગેની તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે બુધવારે જણાવ્યું હતું કે ભારતમાં ભાગીદારી માટે ટેસ્લા સાથે કોઇ મંત્રણા થઈ નથી અને ટાટા મોટર્સ એકલા હાથે આ બિઝનેસ કરશે.
ઇલેક્ટ્રિક વ્હિકલ માટે ટાટા મોટર્સ અને બ્રિટન ખાતેની પેટાકંપની જગુઆર એન્ડ લેન્ડ રોવરની આક્રમક યોજના અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતુ કે ટેસ્લા સાથે કોઇ મંત્રણા નથી. ટાટા મોટર્સ અને જેએલઆર હેઠળની પ્રોડક્ટ્સ સારો દેખાવ કરી રહી છે અને હાલમાં કોઇ બાહ્ય ભાગીદારની જરૂર નથી.
ટાટા ગ્રૂપ અને ટેસ્લા વચ્ચે ભાગીદારી અંગે મીડિયામાં વ્યાપક અટકળો ચાલે છે. ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક મોબિલિટીના સત્તાવાર ટ્વીટર પર 15 જાન્યુઆરીથી એક ટ્વીટથી પણ આ અટકળોને વેગ મળ્યો હતો, જેમાં જુની હિન્દી ફિલ્મના ગીતને ટાંકીને જણાવાયું હતું કે આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર અખબાર મે, સબ કો માલુમ ઔર સબક કો ખબર હો ગયે. જોકે આ ટ્વીટ તરત ડિલિટ કરવામાં આવ્યું હતું.