બ્રિટનના આગામી વડા પ્રધાન બનવાની રેસમાં ઝડપ વધી રહી છે, ત્યારે રખેવાળ વડા બોરિસ જૉન્સને સુનકે રાજીનામુ આપી દગો કર્યો હોવાની લાગણી સાથે તેમના સાથીઓને “ઋષિ સુનક સિવાય કોઈને પણ” સમર્થન આપવા જણાવ્યું છે. જો કે જૉન્સને પહેલાં જણાવ્યું હતું કે તેઓ કોઈપણ ઉમેદવારોને સમર્થન આપશે નહીં અથવા હરીફાઈમાં જાહેરમાં હસ્તક્ષેપ કરશે નહીં. પણ માનવામાં આવે છે કે તેમણે સુનક સામે રેસમાં હારનાર દાવેદારો સાથે વાતચીત કરી સુનકને વડા પ્રધાન ન બનવા દેવા વિનંતી કરી હતી.
વડા પ્રધાન જૉન્સન લિઝ ટ્રસ પ્રત્યે સૌથી વધુ ઉત્સુક દેખાયા હતા. લિઝ ટ્રસ દાવો કરે છે તકે તેઓ “પ્રથમ દિવસથી વડા પ્રધાન બનવા માટે તૈયાર છે”.
જૉન્સન સુનકને બદલે પેની મોર્ડન્ટ તરફ વધુ ઝુકેલા છે. જેમને તેમના કેબિનેટ સાથીઓ જેકબ રીસ-મોગ અને નાદિન ડોરીસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. બીજા રાઉન્ડમાં રેસમાંથી બહાર ફેંકાયેલા ભારતીય મૂળના એટર્ની જનરલ સુએલા બ્રેવરમેને ટ્રસને પોતાનો ટેકો આપ્યો છે. બધાની નજર ટ્રસ અને મોર્ડન્ટ વચ્ચે કોણ નંબર 2નું સ્થાન મેળવશે તેના પર છે.
એક સ્ત્રોતે કહ્યું હતું કે જૉન્સન અને તેમની શિબિર “રિશી સિવાય કોઈપણ” ચાલશે તેવી છુપી ઝુંબેશ ચલાવી રહ્યા છે. આખી નંબર 10 [ડાઉનિંગ સ્ટ્રીટ] ટીમ ઋષિને નફરત કરે છે. તેઓ વડા પ્રધાનના રાજીનામા માટે સાજિદ જાવિદને દોષી ઠેરવતા નથી. તેઓ ઋષિને દોષ આપે છે. તેમને લાગે છે કે ઋષી મહિનાઓથી આનું આયોજન કરતા હતા.’’ જો કે જૉન્સનના એક સાથીએ તે દાવાને નકારી કાઢ્યો હતો. પરંતુ સ્વીકાર્યું હતું જૉન્સન સુનકે કરેલા “વિશ્વાસઘાત” બાબતે નારાજગી ધરાવે છે.