(ANI Photo)

પૂ. મોરારિબાપુ

એક દેહાતી, એક અભણ માણસ તેની ખેતીની ઉપજનો માલ વેચવા એક નગરમાં ગયો. દેહાતમાં રહે એથી એને આજકાલની આધુનિક વ્યવસ્થાનું વિશેષ જ્ઞાન નહોતું. એની પાસે આ વખતની ખેતીની મોસમમાં કોઈ પાક સરસ ઊતર્યો હતો, તે વેચવાનો હતો. એની ઈચ્છા હતી કે એકવાર ફાઈવસ્ટાર હોટલમાં રહેવું છે બસ. એણે તો મનમાં નક્કી કરેલું કે કંઈ પણ થાય,જાણકારી થાય કે ન થાય,સમજ પડે કે ન પડે,એક વાર ફાઈવસ્ટાર હોટેલમાં રહેવું છે. પૂરા પાકના પૈસા કેમ ન આપવા પડે, પણ એક વાર તો રહેવું જ છે. દિલ્હીમાં એક વાર એક ઉપપ્રધાનમંત્રી આવ્યા હતા,એમણે કંઈક એવું કાઢ્યું હતું કે ખેડૂત પણ ફાઈવસ્ટાર હોટેલમાં રહી શકે. આ ખેડૂતે નક્કી કરેલું કે પંચતારક હોટેલમાં કેમે કરીને રહેવું છે. પાક વેચીને એણે તો પૈસા ભરી દીધા, બુકિંગ કરાવી દીધેલું. વર્ષોની ઈચ્છા પૂરી થાય છે જ્યારે તે ફાઈવસ્ટાર હોટેલમાં પહોચે છે. આખી હોટેલમાં આટાફેરા કરીને માણતો જાય છે. એમ કરતાં કરતાં રાત પડી. ફાઈવસ્ટાર હોટેલના પલંગમાં સૂતો છે. આખા દિવસનો થાક ભેગો થયો છે અને એને સૂઈ જવું છે. આ તો ફાઈવસ્ટાર હોટેલની રૂમ,જાતભાતની લાઈટો લગાવેલી રૂમમાં. આ બત્તીઓના પ્રકાશમાં ઊંઘ કેમ આવે? તેથી તેને થયું આ બત્તીઓ ઓલવી નાંખું. ગામડાનો સરળ માણસ તેને બત્તી બંધ કરવી હતી, ફૂંક મારતો રહ્યો, પણ લાઈટ બુઝાતી નહોતી. એક વાર,બે વાર નહિ,એક કલાક, બે કલાક નહિ,આખી રાત ફૂંક મારતો રહ્યો,પણ બત્તી બૂઝાઈ નહિ. બિચારો સૂઈ ન શક્યો.

સવારના ઊઠતા વેંત એણે હોટેલના મેનેજરને ફરિયાદ કરી કે આ ક્યાં પ્રકારની હોટેલ છે? ફાઈવસ્ટાર હોટેલમાં રહેવાની મારી કેવી ઈચ્છા હતી ! કેવા સ્વપ્નો જોયા હતા ! અને આવી વ્યવસ્થા ? મેં આખી મોસમના પાકની કમાઈ અહીં રહેવા માટે આપી દીધી અને અહીં બત્તી બંધ નથી થતી? તમને ખ્યાલ છે મેં કેટલી ફૂંકો મારી? મેનેજર કહે,ભાઈસાબ,ક્ષમા કરો, તમે અમારામાંથી કોઈને બોલાવી લેતો તો પણ તમને બતાવી દેતે. આ બત્તી ફૂંકથી નહિ બુઝાય,એની સ્વિચ આવે છે. એને બુઝાવવા કોઈ સ્વિચ બંધ કરે ત્યારે બુઝાશે.

મારા યુવાન ભાઈ-બહેનો, આપણા ચિત્તમાં વિકાર પેદા થતા રહે છે, તમારી, આપણી ફૂંકથી નહિ બુઝાય, કોઈ સદ્દ્ગુરુ સ્વિચ બંધ કરી દે તો બંધ થશે. કારણ કે કામ,ક્રોધ,લોભ એ વિદ્યુતપ્રવાહ છે. તમારી ફૂંકથી એ નહિ બુઝાય-એ મીણબત્તી નથી. હા,હોઈ શકે કે એ દીવાની આડમાં તમે કંઈક રાખો,બલ્બની આડે કંઈક રાખો,તો થોડી રાહત થઈ શકે, પણ બૂઝાવી નહિ શકો. વ્યક્તિને જોવાને બદલે રામાયણ જોવા માંડો,આડ થઈ ગઈ. આંખો બંધ કરી દો, થોડી આડ થઈ ગઈ. વિચારો નથી રોકાતા, છતાં થોડી આડ થઈ ગઈ. કંપન બંધ થયા. પણ સમાપ્ત તો ત્યારે થશે,જ્યારે કોઈ પ્રાજ્ઞ ગુરુ પોતાની ચેતનાથી તમારા અચેતન મનને સમાપ્ત કરી દે. બુઝાવવાની સમજ તમારામાં છે. પણ લગભગ આપણે અભણ છીએ,થોડા પૈસા મળી ગયા,ને સીધા ફાઈવસ્ટારમાં ચાલી ગયા. ન વિવેક છે, ન સમજ છે. ન મહાસંગતિ છે. થોડી સમજ હો તો તમે આ ઉજાલાની તીવ્રતાને થોડી રોકી શકો. એ ઓરડામાંથી જ કંઈ લઈને આડમાં રાખી દો, પણ બત્તી બુઝાશે નહિ. બત્તી બુઝાશે ત્યારે, જ્યારે સ્વિચ બંધ કરો.

यह गुन साधन ते नहीं होई |
तुम्हरी कृपाँ पाव कोइ कोई ||

કોઈ મા એવી નહિ હોય કે પોતાના બાળકને એ ચાલવાનું ન શીખે,એવો વિચાર કરે. બાળક ચાલે,એથી મા રાજી થઈ જાય. મા તો ઊંચકી શકે છે,ગોદમાં ખભા પર,પીઠ પર,કમર પર,માનું સામર્થ્ય છે,છતાંયે મા વિચારશે કે આવું કરતી રહીશ,તો એ બિલકુલ ચાલશે જ નહિ. એથી મા ચાહે છે કે બાળક થોડું ચાલે. સદ્દ્ગુરુ ચાહે છે કે બાળક થોડું ચાલે,પછી સદ્દ્ગુરુ ઉઠાવી લેશે.

સંકલન : જયદેવ માંકડ
(માનસ અગસ્તિ,૧૯૯૭)

LEAVE A REPLY