ભાજપે તાજેતરમાં રાજ્યમાં તમામ નવા ચહેરાનો સમાવેશ કરીને બ્રાન્ડ ન્યૂ સરકાર આપી છે. હવે આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં પણ હાલના મોટાભાગના ધારાસભ્યોને ફરી ટિકિટ ન આપવામાં આવે તેવી શક્યતા છે. ભાજપના પ્રદેશ નેતાઓ હવે ચૂંટણીના મોડમાં આવી ગયા છે.

પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ જૂની રૂપાણી સરકારના જે પ્રધાનોને પડતા મૂકવામાં આવ્યા છે તે પૈકી મોટાભાગના ધારાસભ્યોને ભાજપ ફરી ટિકિટ નહીં આપે.

આ રાજ્યોમાં સત્તા વિરોધી લહેર એટલે કે એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર ભાજપ માટે ચિંતાનો વિષય છે. ગુજરાતમાં ઘણા વર્ષોથી ભાજપની સરકાર છે તેથી ભાજપને પ્રજામાં સત્તાવિરોધી લાગણીની ચિંતા છે. જો જૂના ધારાસભ્યોને ફરી ટિકિટ ન આપવામાં આવે તો આવી ચિંતાને દૂર કરી શકાશે તેમ પક્ષના નેતાઓ માને છે. દેશના સાત રાજ્યો પૈકી ભાજપને ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં કોઇપણ સંજોગોમાં સત્તા જોઇએ છે. આ બન્ને રાજ્યોમાં પાર્ટીને ખબર છે કે કોંગ્રેસ પાર્ટી નામશેષ છે તેમ છતાં તેના માટે હાઇકમાન્ડ કોઇ જોખમ લેવા માગતું નથી.