વિવાદાસ્પદ ફિલ્મ “ધ કેરળ સ્ટોરી“ના મામલે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સરકારોને નોટિસ પાઠવીને સવાલ કર્યો હતો કે ફિલ્મ દેશના બાકીના વિસ્તારોમાં કોઈપણ સમસ્યા વિના પ્રદર્શિત થઈ રહી છે ત્યારે તમને શું વાંધો છે. બંને રાજ્યોએ બુધવાર સુધી તેમનો જવાબ આપવો પડશે.
સુપ્રીમ કોર્ટમાં ફિલ્મના નિર્માતાઓએ અરજી કરી હતી કે આ બે રાજ્યોમાં ફિલ્મ બતાવવામાં આવી રહી નથી.
પશ્ચિમ બંગાળની મમતા સરકારે ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે તમિલનાડુએ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ સુરક્ષાની ચિંતાઓને કારણે સિનેમાઘરોએ ફિલ્મ પાછી ખેંચી લીધી છે.ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે પશ્ચિમ બંગાળ સરકારને સવાલ કર્યો હતો કે ફિલ્મ દેશના બાકીના વિસ્તારોમાં કોઈપણ સમસ્યા વિના પ્રદર્શિત થઈ રહી છે અને પ્રતિબંધ માટે કોઈ કારણ નથી. જો લોકોને ફિલ્મ પસંદ ન હોય, તો તેઓ ફિલ્મ જોશે નહીં.
પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે ગુપ્તચર માહિતી અનુસાર, કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઉભી થઈ શકે છે અને વિવિધ સમુદાયોમાં શાંતિ ભંગ થઈ શકે છે. રાજ્ય પાસે પશ્ચિમ બંગાળ સિનેમા (રેગ્યુલેશન) એક્ટ, 1954ની કલમ 6 હેઠળ સત્તા છે. તેમણે બંગાળ સરકારના આદેશ પર સ્ટે આપવાનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે રાજ્યને જવાબ દાખલ કરવાની તક આપ્યા વિના સ્ટે આપવો જોઇએ નહીં.
મૂવીના નિર્માતાઓ તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં આ ફિલ્મને પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે પહેલા ત્રણ દિવસ સુધી ફિલ્મ પ્રદર્શિત થઈ હતી.
કોર્ટે જણાવ્યું હતું કે તે પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ જારી કરી રહી છે અને રાજ્યને તક આપ્યા વિના ફિલ્મના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ પર સ્ટે નહીં મૂકે. ખંડપીઠે તમિલનાડુ સરકારને ફિલ્મનું પ્રદર્શન કરતા થિયેટરોને પૂરતી સુરક્ષા પૂરી પાડવા માટે લેવાયેલા પગલાંની માહિતી આપવા તાકીદ કરી હતી.