ગુજરાતમાં કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચ ટી-20 ક્રિકેટ મેચ સિરીઝની બાકી રહેલી ત્રણ ટી-20 મેચ પ્રેક્ષકો વગર જ રમાડવાનો સોમવારે નિર્ણય કર્યો હતો. આ ત્રણ ટી-20 મેચ માટે જે લોકોએ ટિકિટો ખરીદી હશે તેને રિફન્ડ આપવામાં આવશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં સિરીઝ 1-1થી બરાબરી પર છે. બાકી રહેલી ત્રણ ટી20 મેચ 16, 18 અને 20 માર્ચે રમાશે.
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન વાઇસ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા જીસીએ દ્વારા બીસીસીઆઈ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે લોકોને કોમ્પ્લિમેન્ટરી ટિકિટો મળી છે તેમને સ્ટેડિયમમાં ન આવવાની વિનંતી કરવામાં આવે છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બંને ટી-20માં મોટી સંખ્યામાં પ્રેક્ષકો હાજર રહ્યા હતા અને આ દરમિયાન ઘણા લોકોએ માસ્ક પહોર્યા ન હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાયું ન હતું. જેના કારણે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની ભારે ટીકાઓ પણ થઈ હતી. અંતે જીસીએ દ્વારા બાકી રહેલી ત્રણ ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.