ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને ઇન્ડિયન પ્રીમિયર લીગની મુંબઇ ઇન્ડિયન્સની ટીમના ખેલાડી રોહિત શર્માએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું વિચાર્યું નથી. તેની ઇચ્છા હજુ 2027ના વર્લ્ડ કપમાં રમવાની છે અને ભારતને ચેમ્પિયન બનાવવા ઇચ્છે છે. ઉલ્લેખનીય છે કે, 2023માં યોજાયેલા વર્લ્ડ કપમાં એક માત્ર ફાઇનલમાં ખરાબ રમવાના કારણે ભારત ચેમ્પિયન બની શક્યું નહોતું. જોકે રોહિત હવે આવનારો વર્લ્ડ કપ જીતીને તે હિસાબ બરાબર કરવા ઇચ્છે છે.

તાજેતરમાં રોહિતે એક યૂ ટ્યૂબ ચેનલને જણાવ્યું હતું કે 50 ઓવરનો વર્લ્ડ કપ જ ખરી ટુર્નામેન્ટ છે. આપણે 50 ઓવરના વન-ડે વર્લ્ડ કપ જોઈને મોટા થયા છીએ. 2025માં લોર્ડ્ઝ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે અને આશા રાખું છું કે ભારત તેમાં હશે. જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત થયેલ રોહિત આજે પણ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની હારથી વ્યથિત છે. તેણે કહ્યું હતું કે વર્લ્ડ કપ ભારતમાં યોજાયો હતો. ફાઇનલ સુધી અમે ખૂબ સારી રીતે રમ્યા હતા. અમે જ્યારે સેમિફાઇનલ જીત્યા ત્યારે મને એમ લાગતું હતું કે અમે ટ્રોફીથી એક કદમ દૂર છીએ. હું વિચારું છું કે એવી કઈ એક બાબત હતી જેણે અમને ફાઇનલમાં હરાવ્યા પરંતુ પ્રામાણિકતાથી કહું તો મારા મનમાં એવી કોઈ વાત આવતી નથી. અંતે તેણે કહ્યું હતું કે મેદાન પર એક ખરાબ દિવસ આવતો હોય છે. દરેક માટે એક ખરાબ દિવસ આવતો હોય છે અને અમારા માટે એ દિવસ ફાઇનલ વખતે આવ્યો. સાથે સાથે ઓસ્ટ્રેલિયા માટે એ સારો દિવસ હતો.

LEAVE A REPLY