નવી દિલ્હીમાં G20 સમિટ પહેલા પ્રગતિ મેદાનના ભારત મંડપમ કન્વેન્શન સેન્ટરની આસપાસના વિસ્તારોને શણગારવામાં આવ્યાં હતા. (ANI Photo/Ishant)

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે કહ્યું હતું કે દેશનું નામ બદલવાનો કોઈને અધિકાર નથી. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બોલાવેલી વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરાશે. શું બંધારણમાં દેશનું નામ બદલવામાં આવશે તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મારી પાસે આ અંગે કોઈ માહિતી નથી.

ભાજપ શાસિત આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને ભારત પ્રત્યે સખત અણગમો હોવાનું જણાય છે અને વિપક્ષી ગઠબંધન “ભારત” ને હરાવવાના હેતુથી જાણીજોઈને ઇન્ડિયા નામ પસંદ કર્યું છે.

કોંગ્રેસની રાજ્યના સંઘ પરનો હુમલો ટિપ્પણી પર તીખી પ્રતિક્રિયા આપતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસને દેશના સન્માન અને ગૌરવ સાથે સંબંધિત દરેક વિષય પર કેમ વાંધો છે? … ભારત જોડોના નામે રાજકીય ટુર્સ કરનારા લોકોને  ‘ભારત માતા કી જય’ના નારાથી ધિક્કાર કેમ છે? પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતુ કે “મેં સાંભળ્યું છે કે ભારતનું નામ બદલવામાં આવી રહ્યું છે. અંગ્રેજીમાં આપણે ઇન્ડિયા અને ઇન્ડિયન કોન્ટીટ્યુશન કહીએ છીએ. હિન્દીમાં આપણે ‘ભારત કા સંવિધાન’ કહીએ છીએ. આપણે બધા ‘ભારત’ કહીએ છીએ, આમાં નવું શું છે? કંઈ નવું કરવાનું નથી. દુનિયા આપણને ઇન્ડિયા તરીકે ઓળખે છે. અચાનક શું થયું કે દેશનું નામ બદલવાની જરૂર છે?”

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે “મારી પાસે કોઈ સત્તાવાર માહિતી નથી કે આવુ થઈ રહ્યું છે. માત્ર વિપક્ષે એક ગઠબંધન બનાવ્યુ અને તેનું નામ ઇન્ડિયા રાખ્યું છે તેથી શું કેન્દ્ર દેશનું નામ બદલી નાંખશે? આ દેશ 140 કરોડ લોકોનો છે, કોઈ પક્ષનો નથી. જો ગઠબંધનનું નામ બદલીને ભારત રાખવામાં આવે તો શું તેઓ ભારતનું નામ બદલીને ભાજપ રાખશે?”

LEAVE A REPLY