Nitish Kumar
(Photo by MONEY SHARMA/AFP via Getty Images)

વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનના વડાપ્રધાનના ચહેરા તરીકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નામની દરખાસ્તના મુદ્દે પોતાનું મૌન તોડીને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે સોમવારે જણાવ્યું હતું કે મને કોઈ નિરાશા થઈ નથી કે કોઈ નારાજગી નથી. મે બેઠક વહેંચણીની પ્રક્રિયા ઝડપી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં મમતા બેનરજી અને અરવિંદ કેજરીવાલે ખડગને વડાપ્રધાનનો ચહેરો બનાવવાની દરખાસ્ત કરી હતી. નીતિશ કુમાર પોતે આ રેસમાં હોવાનું માનવામાં આવે છે.

જનતા દળ-યુનાઈટેડના નેતાએ જણાવ્યું હતું કે ભાજપ વિરોધી પક્ષોને એકજૂથ કરવાની તેમને પહેલ કરી હતી અને તેઓ પોતાના માટે કંઇ ઇચ્છતા નથી, પરંતુ ઇન્ડિયા ગઠબંધની બેઠકમાં બેઠકોની વહેંચણીની પ્રક્રિયા ઝડપી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

નીતિશ કુમાર પટણામાં સ્વર્ગસ્થ પીએમ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા તેમના સ્મારક પર આવ્યા ત્યારે પત્રકારોએ તેમને પીએમના ચહેરાના મુદ્દે સવાલો કર્યા હતા. બિહારની સીએમએ જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં નેતાનો મુદ્દો આવ્યો હતો. મેં શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે મને તેમાં રસ નથી. પછી બીજા નામની દરખાસ્ત થઈ હતી. મેં કહ્યું કે મને કોઇ વાંધો નથી.

અહીં ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પીએમના ચહેરા તરીકે ખડગેના નામની દરખાસ્ત કરી હતી. આ પછી એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં નીતિશ કુમારના નામની અવગણના કરાઈ હતી અને તેથી તેઓ નારાજ છે. ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં નીતિશકુમાર અને રાજદના નેતા તેજસ્વી વહેલા નીકળી ગયા હોવાની પણ અટકળો થઈ હતી.

 

LEAVE A REPLY