કોરોના મહામારીના દસ મહિના પછી પહેલી વખત અમદાવાદમાં એક પણ વ્યક્તિનું કોરાનાથી મોત થયું ન હતું. રાજ્યમાં કોરાનાથી મહીસાગર જીલ્લામાં માત્ર એક વ્યક્તિનું મોત થયું હતું, રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૪૧૦ કેસ નોંધાયા હતા, એમ સરકારે રવિવારે સાંજે જારી કરેલી માહિતીમાં જણાવાયું હતું.
રવિવાર સાંજ સુધીની માહિતી મુજબ રાજ્યમાં કુલ કેસનો આંક ૨,૫૯,૦૯૭ થયો હતો. હાલમાં ૪,૬૬૫ એક્ટિવ કેસ છે જ્યારે ૪૮ દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું ના હોય તેવું ૨૫ માર્ચ એટલે કે ૧૦ મહિના અગાઉ થયું હતું. રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક ૪,૩૭૬ છે. અમદાવાદમાં કોરોનાથી કુલ ૨,૨૮૭ના મૃત્યુ થયા છે. જેમાંથી અમદાવાદ શહેરમાં ૨,૨૨૭ અને ગ્રામ્યમાંથી ૬૦નો સમાવેશ થાય છે.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા જિલ્લામાં અમદાવાદ ત્રણ દિવસના અંતરાલ બાદ ફરી મોખરે રહ્યું હતું. અમદાવાદ શહેરમાં ૮૯-ગ્રામ્યમાં ૩ સાથે ૯૨ નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંક ૬૦,૫૧૨ થયો હતો. વડોદરા શહેરમાં ૬૫-ગ્રામ્યમાં ૨૧ સાથે ૮૬, સુરત શહેરમાં ૬૯-ગ્રામ્યમાં ૧૬ સાથે ૮૫ કેસ નોંધાયા હતા. કુલ કેસનો આંક સુરતમાં ૫૨ હજારને પાર થઇને ૫૨,૦૫૪ જ્યારે વડોદરામાં ૨૭,૪૩૦ હતો. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર ૧.૭૦% છે.