ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના વકીલે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તેમને માલ્યા તરફથી કોઈ સંદેશાવ્યવહાર મળી રહ્યો નથી અને વકીલ તરીકે આ કેસમાંથી તેમના મુક્ત કરવામાં આવે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને હિમા કોહલીની ખંડપીઠે એડવોકેટ ઇ સી અગ્રવાલાને આ કેસમાંથી મુક્ત થવાની મંજૂરી આપી હતી તથા યુકેમાં માલ્યાના હાલના રહેણાંક સરનામાં સાથે ઈ-મેલ આઈડી સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં આપવા જણાવ્યું હતું.
અગ્રવાલાએ સર્વોચ્ચ અદાલતમાં જણાવ્યું હતું કે, “હું આ કેસમાંથી મુક્ત થવા માંગુ છું કારણ કે મને મારા અસીલ તરફથી કોઈ સૂચના મળી રહી નથી. હું તેની સાથે સંપર્ક સ્થાપિત કરી શકતો નથી. તે લાંબા સમયથી સંપર્કમાં નથી.” સર્વોચ્ચ અદાલતે 5 ઑક્ટોબર, 2018 અને 13 સપ્ટેમ્બર, 2019ના કર્ણાટક હાઈકોર્ટના આદેશો સામે માલ્યા દ્વારા દાખલ કરાયેલી બે અરજીઓમાંથી વકીલને છૂટા કરી દીધા હતા. કર્ણાટક હાઇ કોર્ટે બેંકોના કન્સોર્ટિયમને ₹3,101 કરોડ ચૂકવવાનો માલ્યાને આદેશ આપ્યો હતો.
એક સમયે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રહી ચૂકેલા વિજય માલ્યા દેશ છોડીને બ્રિટનમાં રહે છે. તેમને ભારત પરત લાવવાની પ્રક્રિયા લાંબી થઈ રહી છે. પ્રત્યાર્પણની પ્રક્રિયા બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી, પરંતુ ત્યારથી આ કેસ કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ ગયો છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો વિજય માલ્યા સાથે નાણાકીય વિવાદ ચાલી રહ્યો છે. આ કેસમાં એડવોકેટ ઇસી અગ્રવાલ તેમના વકીલ હતા. તેણે જસ્ટિસ ચંદ્રચૂડ અને હિમા કોહલીની બેંચને કહ્યું છે કે જ્યાં સુધી મને ખબર છે કે વિજય માલ્યા અત્યારે બ્રિટનમાં છે, પરંતુ તે મારી સાથે વાત નથી કરી રહ્યા. મારી પાસે માત્ર તેનું ઈમેલ એડ્રેસ છે. અમે તેમને શોધી કાઢવામાં અસમર્થ હોવાથી, મને તેમનું રિપ્રેઝન્ટ કરવાથી છૂટકારો મળવો જોઈએ. કોર્ટે એડવોકેટ ઇસી અગ્રવાલની આ અપીલ સ્વીકારી લીધી છે.