વડાપ્રધાન બોરિસ જ્હોન્સન અને નંબર 10ના તાજેતરના કોરોનાવાયરસ ડેઇલી પ્રેસ બ્રીફિંગ્સને લાખ્ખો લોકોએ જોયા બાદ હવે તેઓ અનુભવી બ્રોડકાસ્ટરની મદદ લઇ વ્હાઇટ હાઉસ-શૈલીની દૈનિક ટીવી પ્રેસ બ્રીફિંગની યોજના ધરાવે છે. જે વડા પ્રધાનના પત્રકારો માટેના બપોરે થતા ઓફ કેમેરા બ્રીફિંગ્સનું સ્થાન લેશે. હાલમાં તેને વરિષ્ઠ સિવિલ સર્વન્ટ હોસ્ટ કરે છે અને પ્રશ્નો અને જવાબોનું પ્રસારણ થાય છે.
વડાપ્રધાન જ્હોન્સન માને છે કે આ અભિગમ “પારદર્શિતા અને નિખાલસતાની સંસ્કૃતિ રજૂ કરશે”. પ્રેસ બ્રીફિંગ્સ નંબર 9 ડાઉનિંગ સ્ટ્રીટના એક રૂમમાં અને તે વ્હાઇટ હાઉસના બ્રીફિંગ રૂમની શૈલીમાં મીડિયા સ્યુટમાં ફેરવાશે. ઓક્ટોબરમાં આ યોજનાઓ અમલમાં આવશે અને આ મહિનામાં બ્રોડકાસ્ટર માટેની ભરતી પ્રક્રિયા શરૂ થશે તેમજ નિર્માતાઓની એક ટીમ પણ લેવામાં આવશે.
ડાઉનિંગ સ્ટ્રીટનો પ્રેસ બ્રીફિંગને ટેલિવિઝન કરવાનો નિર્ણય વિવાદાસ્પદ સાબિત થઈ શકે છે કેમ કે ટોની બ્લેર અને ગોર્ડન બ્રાઉનના નિર્ણયનો અખબારોએ વિરોધ કર્યો હતો.
ડાઉનિંગ સ્ટ્રીટ સરકારી કોમ્યુનિકેશનને રદ કરવાની તૈયારી કરી રહી છે અને જે તે વિભાગોને બદલે કેબિનેટ ઓફિસ પ્રેસને માહિતી આપશે અને સરકાર 4,000 લોકોનો ઘટાડો કરશે. ચોક્કસ ટાઇટલ્સના પત્રકારોને હાજર રહેવા પર પ્રતિબંધ મૂકવાના વિરોધમાં ગત ફેબ્રુઆરીમાં રાજકીય પત્રકારોએ ડાઉનિંગ સ્ટ્રીટ બ્રીફિંગનો બહિષ્કાર કર્યો હતો.