પોતાના બિઝનેસ સામ્રાજ્ય પર સંકટ વધ્યું તે સંજોગોમાં બાવાગુથુ રઘુરામ શેટ્ટીએ માર્ચ મહિના મધ્યમાં બેન્ક ઓફ બરોડાના અધિકારીઓ સાથે તેમણે અને તેમની કંપનીઓએ લીધેલા 250 મિલિયન પાઉન્ડની લોનની ચર્ચા કરી.
કોર્ટમાં થયેલ ફાઇલિંગ અનુસાર શેટ્ટીની બિલિયોનેર તરીકેની પ્રતિષ્ઠા અને તેમના બિઝનેસીઝ, ખાસ તો અખાતી દેશોમાં કાર્યરત તેમની હોસ્પિટલ જૂથ-એનએમસી હેલ્થની પ્રતિષ્ઠાના આધારે આ લોન આપવામાં આવી હતી.
પ્રતિષ્ઠાને આધારે લોન આપવાની પ્રથા ‘નેમ લેન્ડીંગ’ તરીકે ઓળખાય છે.
શેટ્ટી, અબુધાબી સ્થિત ભારતીય ઉદ્યોગ સાહસિક છે. તેણે ગલ્ફના ઇમિગ્રન્ટ સફળતાના કથાનક અને યુનાઇટેડ આરબ અમિરાતના સૌથી મોટા ખાનગી હોસ્પિટલ જૂથ- એન.એમ.સી. હેલ્થ તરીકે લોન લીધી હતી, જેમાં ડઝનેક બેંકોમાંથી જામીનગીરી આપ્યા વગર ધીરાણ લેવાયું હતું. આ બેંકોના મુખ્ય મથકો ત્યાં હતા અથવા તો તેની પ્રાદેશિક ઓફિસ ત્યાં હતી.છેતરપિંડીના આક્ષેપો અને ચાર બિલિયન ડોલરથી વધુ છુપાયેલ દેવાની જાહેરાતો વચ્ચે આ વર્ષે યુએઈની કેટલીક બેંકો અને વિદેશી ધીરાણકર્તાઓને ભારે ખોટ થઇ છે અને એનએમસી પાસેથી બાકી નાણાં મેળવવા માટે કાનૂની લડત આપી રહી છે.
ભારતની બેંક ઓફ બરોડા શેટ્ટી સામે કરારમાંથી પીછેહઠ કરવા બદલ કેસ કરી રહી છે, જેમાં કહેવાય છે કે માર્ચની બેઠકમાં બેંકનું દેવું ચૂકવવા માટે જામીનગરી તરીકે 16 મિલકતો આપવાની અને વધારાની ગેરન્ટી મેળવવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. 16 જૂને કોર્ટમાં દાખલ કરવામાં આવેલા વાંધા અરજીમાં શેટ્ટીએ કહ્યું હતું કે, આ કરાર ‘કપટપૂર્ણ દસ્તાવેજ’ હતો. આ નિવેદનની રોયટર્સ દ્વારા નોંધ લેવામાં આવી હતી.
16 જુનના રોજ કરવામાં આવેલ ફાઇલિંગમાં શેટ્ટીએ એવી દલીલ પણ કરી હતી કે લોન યુએઈમાં જારી કરવામાં આવી હતી અને ભારતની કોર્ટમાં તેનો કેસ કરી શકાતો નથી. બેંકે જણાવ્યું છે કે યુએઈ, ઓમાન અને મુંબઇની સ્થાનિક ઓફિસમાંથી લોન મંજૂર કરવામાં આવી હતી.આ અંગે બેંક ઓફ બરોડાએ પ્રતિભાવ આપવાની વિનંતીનો જવાબ આપ્યો નથી. શેટ્ટીના પ્રતિનિધિએ આ અંગે કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
શેટ્ટીએ અગાઉ એનએમસીની નિષ્ફળતા માટે તેમની કંપનીઓના વર્તમાન અને ભૂતપૂર્વ અધિકારીઓના નાના જૂથને જવાબદાર ઠેરવ્યું હતું, તેમનો આક્ષેપ હતો કે તેઓ તેમના વતી લોન લેવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરતા હતા. શેટ્ટીના વકીલોએ 16 જૂનના ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેમણે અબુધાબીમાં ફેડરલ એટર્ની જનરલને કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે, તેઓ છેતરપિંડી, બનાવટ અને મની લોન્ડરિંગનો ભોગ બન્યા છે.
યુએઈની બેંકોએ એનએમસીમાં 2 બિલિયન ડોલરથી વધુના એક્સપોઝરની જાહેરાત કરી છે, જેમાં અબુધાબી કમર્શિયલ બેંક (ADCB)ના અંદાજે એક બિલિયન ડોલરની ગણતરી થાય છે. એડીસીબીએ એનએમસીના દેવાની રકમ ચોથાભાગ કરતા વધુ ઘટાડી છે. પરંતુ, હેલ્થકેર જૂથ પાસે લેણદારોની લાંબી યાદી અને અન્ય લોન કારણે બેન્કને વધુ નુકસાન સહન કરવાનું આવી શકે છે જ્યારે તેલથી સમૃદ્ધ પ્રદેશ ક્રૂડના નીચા ભાવો અને કોરોના વાઇરસની અસર પણ છે. ઇએફજી હર્મીસના બેન્કિંગ વિશ્લેષક શબ્બીર મલિકે જણાવ્યું હતું કે, અત્યારે જોખમ એ છે કે બેન્કોએ જે જોગવાઈઓ કરી છે તે પર્યાપ્ત નહીં હોય અને તેમને વધુ પ્રોવિઝન્સની જરૂર પડી શકે છે.
વકીલો અને વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, ગલ્ફમાં બેંકો અંશતઃ જામીનગીરીને બદલે કંપનીઓને ધિરાણ આપવા માટે રોકડ પ્રવાહ પર વધુ આધાર રાખે છે કારણ કે યુકે અથવા અમેરિકામાં નાદારીની કાર્યવાહીની તુલનામાં ત્યાંના નિયમો પ્રમાણમાં નવા અને તેના અનુભવ થયા નથી. 9.4 મિલિયન લોકોના દેશ યુએઈમાં 50થી વધુ બેંકોમાં ગ્રાહકો માટેની સ્પર્ધા પણ ખૂબ જ વધુ છે.
યુએઈની સેન્ટ્રલ બેંક, જેની જવાબદારી બેંકિંગ ક્ષેત્રને નિયંત્રિત કરવાની છે, તેણે એનએમસીની સ્થિતિ અંગે જાહેરમાં ટિપ્પણી કરી નથી. તેણે તાજેતરમાં કહ્યું હતું કે, જ્યારે COVID-19 મહામારી પડકારો ઊભા કરે છે ત્યારે દેશની બેંકો કોઈપણ પ્રકારના આઘાતનો સામનો કરી શકે છે કારણ કે તેની મૂડી સારી રીતે સચવાયેલી છે.યુકેની ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીએ ફેબ્રુઆરીના અંતમાં એનએમસીને જણાવ્યું હતું કે, તેણે કંપની સામે અગાઉ ઔપચારિક તપાસ શરૂ કરી છે, જે બ્રિટનની પ્રતિષ્ઠિત એફટીએસઇ 100ની ભૂતપૂર્વ સભ્ય છે, જ્યારે યુકેના એકાઉન્ટિંગ રેગ્યુલેટરે એનએમસી હેલ્થના EYના ઓડિટ અંગે તપાસ શરૂ કરી છે.
EY એ જણાવ્યું હતું કે, તે સમીક્ષામાં સહકાર આપશે, જોકે, તેણે વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.ગયા વર્ષના અંતમાં શોર્ટ શેલર મડ્ડી વોટર્સે તેના નાણાકીય નિવેદનમાં સવાલ ઉઠાવ્યા ત્યારે એનએમસીની નાણાકીય ગેરરીતિઓ બહાર આવી હતી. એનએમસીએ શરૂઆતમાં કહ્યું હતું કે, મડ્ડી વોટર્સનો રિપોર્ટ ‘ખોટો અને ગેરમાર્ગે દોરનાર’ હતો.