બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ રવિવારે એનડીએના ઘટક પક્ષોની મળેલી બેઠકમાં નિતિશ કુમારને ફરી વખત એનડીએના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. નિતિશ કુમારને સોમવારે રાજભવનમાં સાંજે 4 વાગ્યે સતત ચોથી વખત મુખ્યપ્રધાન પદના શપથ લેશે.રવિવારે કેન્દ્રીય નિરિક્ષક રાજનાથસિંહે તેમના નામની જાહેરાત કરી હતી. આ બેઠકમાં એનડીએના ચાર પક્ષ ભાજપ, જેડીયુ, વીઆઈપી પાર્ટી અને હમના ધારાસભ્યો મોજુદ રહ્યા હતા.
ભાજપના ધારાસભ્યોના નેતા તરીકે તારાકિશોર પ્રસાદની પસંદગી કરવામાં આવી છે. સુશીલકુમાર મોદીની બિહારના ડેપ્યુટી મુખ્યપ્રધાન તરીકે જાહેરાત કરવામાં આવી હતી. નિતિશકુમાર હવે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. 16 નવેમ્બરે નિતિશ કુમાર બિહારના મુખ્યપ્રધાન તરીકે શપથ લે તેવી શક્યતા છે.
નિતિશકુમારે જણાવ્યું હતું કે હું ઇચ્છતો હતો કે આ વખતે ભાજપમાંથી કોઇ બિહારના મુખ્યપ્રધાન બને, પરંતુ ભાજપના જ લોકોએ મને મુખ્યપ્રધાન બનવાનો આગ્રહ કર્યો હતો. ભાજપના નેતાઓના આગ્રહના કારણે મેં ફરી વખત આ પદનો સ્વીકાર કર્યો છે.ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં જેડીયુ કરતા ભાજપને વધુ બેઠકો મળી છે. જો કે આ ચૂંટણી ભાજપ નીતિશ કુમારના નેતૃત્વમાં લડ્યું હતું. જેના કારણે મુખ્યપ્રધાન તરીકે તેમની જ પંસદગી કરવામાં આવી છે. નીતિશ કુમાર સોમવારે 4:30 કલાકે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.