ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો દાવો પાછો ખેંચ્યો હતો. તેમણે આ નિર્ણય માટે કોઈ કારણ આપ્યું ન હતું.
સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે તેમણે મહેસાણા બેઠક માટે દાવો કર્યો હતો અને પક્ષને વિનંતી કરી હતી કે તેઓ તેમને તેના ઉમેદવાર તરીકે ઉભા રાખે. જોકે હવે તેઓ પોતાની દાવેદારી પાછી ખેંચી રહ્યાં છે.
નીતિન પટેલે ક્યારેય લોકસભાની ચૂંટણી લડી ન હતી. ભાજપે શનિવારે 195 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. તેમાં ગુજરાતની 15 બેઠકોના ઉમેદવારોના નામ પણ હતા.
તેમણે જણાવ્યું હતું કે મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલી રહી છે. પરંતુ તે પહેલા હું ભાજપના ઉમેદવાર તરીકેનો મારો દાવો પાછો ખેંચી લઉં છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે નરેન્દ્રભાઈ મોદીસતત ત્રીજી વખત વડાપ્રધાન બને જેથી ભારતની પ્રતિષ્ઠા વધે.
68 વર્ષીય બીજેપી નેતાએ પાર્ટીના કાર્યકરો, તેમના શુભેચ્છકો અને સહકાર્યકરોનો પણ આભાર માન્યો હતો. નીતિન પટેલ 2016થી 17 અને 2017થી 2021 સુધી વિજય રૂપાણીની આગેવાની હેઠળની કેબિનેટમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી. છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા નીતિન પટેલે છેલ્લા 20 વર્ષમાં નાણાં અને મહેસૂલ સહિતના વિવિધ વિભાગો સંભાળ્યા છે.