મહેસાણા જિલ્લાના કડીમાં તિરંગા રેલી દરમિયાન ભૂતપૂર્વ ડેપ્યુટી મુખ્યપ્રધાન નીતિન પટેલને રખડતી ગાયે અડફેટમાં લેતા તેમને હેરલાઇન ફ્રેક્ચર થયું હતું. તેમને તાત્કાલિક સરવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
દેશના આઝાદીના 75 વર્ષના પ્રસંગે રાજ્યમાં ઠેર ઠેર તિરંગા રેલીનું આયોજન થઈ રહ્યુ છે. રાજ્યમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી શરુ થઈ છે. આ દરમિયાન મહેસાણાના કડી વિસ્તારમાં પણ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે જ ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ તિરંગા રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી કરણપુર શાક માર્કેટ પાસે પહોંચી હતી. ત્યારે અહીં કેટલીક રખડતી ગાયો પણ નજરે પડી હતી. જેમાંથી એક રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા.
