ગાંધીનગરમાં શુક્રવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત ધર્મસભામાં રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે જો હિન્દુઓની સંખ્યા ઘટી તો દેશમાં બંધારણ કે કાયદા, કોર્ટ કચેરી જેવું કશું નહી હોય. આ બધુ ય હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ ટકેલુ છે. ગુજરાતમાં ભારત માતાના પ્રથમ મંદિર ખાતેના નીતિન પટેલના આ ભડકાઉ નિવેદનથી દેશભરમાં પડઘો પડ્યો હતો અને વિવાદ ઊભો થયો હતો.
નીતિન પટેલે ભવિષ્યવાણી કરતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભગવાન ન કરે ને, જો દેશમાં હિન્દુઓની સંખ્યા ઘટી અને અન્ય લોકોની વસતી વધી તે દિવસથી દેશમાં કોઇ કોર્ટ-કચેરી નહી હોય, કોઇ લોકસભા કે બંધારણ નહી હોય. બધુ જ દફન થઇ જશે. કશુ જ બાકી નહી રહે. હિન્દુઓની બહુમતિ છે એટલે જ બધા બિનસાંપ્રદાયિતાની વાતો કરે છે.
અયોધ્યામાં નિર્માણધિન રામમંદિરનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, એક મંદિર બાંધવાથી કઇં થવાનુ નથી. આપણે બધાએ ભેગા મળીને કામ કરવુ પડશે. ભારત માતા કી જય એક અવાજથી એટલા જોરથી બોલીએ કે જે હાથમાં એક-47 હોય તે આપણા અવાજ માત્રથી ધ્રુજી જાય.
જોકે પછીથી આ નિવેદનની સ્પષ્ટતા કરતાં નીતિન પટેલે જણાવ્યું હતું કે દેશ દુનિયામાં હાલ જે પરિસ્થિતિ છે તેના આધારે મે આ વાત કરી હતી. મે એવું કીધું નથી કે મુસ્લિમ કે ખ્રિસ્તી દેશભક્ત નથી. .
નીતિન પટેલ હિન્દુઓને કાલ્પનિક ભય દેખાડી રહ્યા છેઃ કોંગ્રેસ
નીતિન પટેલના આ નિવેદનની ટીકા કરતાં ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ઓછા વરસાદને કારણે રાજ્યમાં દુષ્કાળના ડાકલાં વાગી રહ્યા છે અને ખેડૂતો સિંચાઇના પાણી માટે પોકાર માંડી રહ્યા છે ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હિન્દુઓને કાલ્પનિક ભય દેખાડી રહ્યા છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ પાસે હવે કોઇ મુદ્દા રહ્યા નથી. કોરોનાકાળમાં સરકાર નિષ્ફળ રહી છે. સરકારની નિષ્ફળતાને કારણે હજારો લોકોએ જાન ગુમવવા પડયા છે. કારમી મોંઘવારીમાં પ્રજા પિસાઇ રહી છે. શિક્ષિત યુવાઓ રોજગારી-નોકરી માટે ફાંફા મારી રહ્યા છે. આગામી દિવસોમાં પાણીની તંગી સર્જાય તેવી સંભાવના છે ત્યારે સરકાર આ મુદ્દે ગંભીરતા વિચારી પ્રશ્નો હલ કરવાને બદલે નાયબ મુખ્યપ્રધાન વસતી વધારાની ચિંતા કરી ભડકાઉ નિવેદન કરી રહ્યા છે.