કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ફરી એક વખત શિવસેના પર પ્રહાર કર્યો છે. નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન નિતિન ગડકરીએ કહ્યું કે શિવસેનાએ મુખ્યમંત્રી પદ મેળવવા માટે તેમની વિચારધારા સાથે સમજૂતી કરી લીધી છે. શિવસેનાએ ફક્ત સત્તા મેળવવા માટે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે હાથ મિલાવ્યો છે. શિવસેના ફક્ત ભગવા હોવાનો દેખાડો કરી રહી છે પરંતુ હકીકતમાં તો હવે તે કોંગ્રેસના રંગમાં રંગાઈ ગઈ છે.
નિતિન ગડકરીએ આ નિવેદન એવા સમયમાં આપ્યું છે કે જ્યારે વીર સાવરકરના મુદ્દા પર શિવસેના અને કોંગ્રેસ પાર્ટી આમને-સામને થઈ ચૂકી છે. કોંગ્રેસે મધ્યપ્રદેશમાં પોતાના કાર્યકર્તાઓ વચ્ચે એક પુસ્તકની વહેચણી કરી છે જેમાં વીર સાવરકર વિશે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ એક સાથે મળીને કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી પાર્ટી વિરુદ્ધ ચૂંટણી લડી હતી. ઓછી બેઠકો પર વિજય મેળવવા છતા પણ શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી પાસે મુખ્યમંત્રી પદની માગ કરી હતી જેને ભાજપે ફગાવી દીધી હતી. ત્યારબાદ શિવસેના અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું અને શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને મહારાષ્ટ્ર અઘાડી પાર્ટી હેઠળ સરકાર રચી હતી.
