રામાયણ સિરિયલમાં ‘નિષાદ રાજ’ની ભૂમિકા ભજવી પ્રખ્યાત બનેલા અને ગુજરાતી ફિલ્મોના જાણીતા એક્ટર ચંદ્રકાંત પંડ્યાનું ગુરુવારે મુંબઈમાં નિધન થયું હતું. તેમની ઉંમર 75 વર્ષ હતી. તેમનો જન્મ પહેલી જાન્યુઆરી 1946ના રોજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભીલડી ગામમાં થયો હતો. તેમના નિધનથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં દુઃખની લાગણી ફેલાઈ હતી. રામાયણ સિરિયલમાં મા સીતાનો રોલ કરનાર અભિનેત્રી દીપિકા ચિખલિયાએ તેમના નિધનની માહિતી આપી હતી.
ચંદ્રકાંત પંડ્યાએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમને સુપ્રસિદ્ધ ફિલ્મ માનવીની ભવાઈ માટે રાષ્ટ્રીય અવૉર્ડ મળ્યો હતો. ગુજરાતી ફિલ્મ જગતમાં 100થી વધારે ફિલ્મો, ગુજરાતી ટેલિવિઝનની અનેક સામાજિક, ધાર્મિક સિરિયલોમાં તેમણે કામ કર્યું હતું.
ચંદ્રકાન્ત પંડ્યાને બાળપણથી જ નાટકોમાં રસ હતો. તેમણે બીએ સુધીનો અભ્યાસ કર્યા બાદ મુંબઈમાં દિગ્ગજ કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ તેમને નાટકોમાં કામ કરવાની તક અપાવી હતી, જ્યાંથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી.
એક્ટર ચંદ્રકાંત પંડ્યાની પહેલી ફિલ્મ ‘કાદુ મકરાણી’ હતી. ત્યારબાદ તેમણે ક્યારેય એક્ટિંગના ક્ષેત્રમાં પાછું વળીને જોયું નથી. વિવિધ ભૂમિકાઓ ભજવીને એક્ટર ચંદ્રકાન્ત પંડ્યાએ પોતાનો એક આગવો દર્શકવર્ગ ઊભો કર્યો હતો. ‘જુવાનીના ઝેર’ ફિલ્મમાં હીરો તરીકે ત્યારે ‘મહિયરની ચૂંદડી’, ‘શેઠ જગડુશા’, ‘ભાદર તારા વહેતા પાણી’, ‘સોનબાઈની ચૂંદડી’, ‘પાતળી પરમાર’ સહિત 100થી વધુ ફિલ્મોમાં તેમણે અભિનયના અજવાળા પાથર્યા હતા.તાજેતરમાં રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલમાં લંકેશનું પાત્ર ભજવીને ઘરે ઘરે લોકપ્રિય બનેલા ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 83 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું હતું.