બેન્ક કૌભાંડ અને મની લોન્ડરિંગના આરોપમાં ભારતમાં વોન્ટેડ જાહેર કરાયેલા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને લંડનની ખાનગી જેલમાં ટ્રાન્સફર કરાયો હતો. આ અંગેની માહિતી ગુરુવારે બહાર આવી હતી. નીરવ મોદીને આંતરિક ટ્રાન્સફર તરીકે લંડનની વોન્ડ્સવર્થથી થેમસાઇડ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. માર્ચ 2019માં પ્રત્યાર્પણ વોરંટ પર ધરપકડ થયા પછી નીરવ મોદી વોન્ડ્સવર્થ જેલમાં હતો.
વોન્ડ્સવર્થ જેલમાંથી શંકાસ્પદ આતંકવાદી ભાગી છૂટ્યા પછી શોધખોળ અભિયાન હાથ ધરાયું હતું અને તેના થોડા દિવસોમાં આ ન્યૂઝ બહાર આવ્યાં છે. શંકાસ્પદ ત્રાસવાદી ડેનિયલ ખલીફને ઝડપી લેવાયો હતો અને તે હવે જેલના સળિયા પાછળ છે. જોકે યુકેના ન્યાય સચિવ એલેક્સ ચાકએ આ મહિનાની શરૂઆતમાં મીડિયાને જણાવ્યું હતું કે હાઈ-પ્રોફાઈલ સુરક્ષા ભંગ બાદ 40 કેદીઓને આ જેલમાંથી બીજે ખસેડવામાં આવ્યા હતા. હવે સ્પષ્ટ થયું છે કે બીજા 40 કેદીઓની સાથે તેને પણ થેમસાઇડ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. આ જેલ પણ કેદીઓથી ભરચક હોવાનું માનવામાં આવે છે. નવી જેલમાં નીરવ મોદીની સુરક્ષા અગાઉ જેટલી જ રહેશે.
થેમસાઇડ લંડનની એકમાત્ર ખાનગી જેલ છે. જેમાં લગભગ 1,232 પુરૂષ કેદીઓને રાખી શકાય છે. માર્ચ 2012 તૈયાર થયેલી આ જેલનું સંચાલન સેરકો નામની કંપની કરે છે. ગયા વર્ષે નીરવ પંજાબ નેશનલ બેંક (PNB)માં બે બિલિયન ડોલરના લોન કૌભાંડ કેસમાં ભારતને પ્રત્યાર્પણ કરવા સામે યુકેની સર્વોચ્ચ અદાલતમાં તેની કાનૂની લડાઈ હારી ગયો હતો. પરંતુ તેનો કેસ હવે “કાનુન પ્રતિબંધિત” હોવાનું કહેવાય છે, જે વધુ પડતર મુકદ્દમા સૂચવે છે.