પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં તાજના સાક્ષી બન્યા બાદ ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદીની બહેન પૂર્વી મોદીએ તેમના લંડન બેન્ક એકાઉન્ટમાંથી ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને રૂ.17.5 કરોડ ચુકવ્યા હતાં, એમ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂર્વી મોદી અને તેમના પતિ મયંક મહેતાએ ચાર જાન્યુઆરીએ તપાસમાં મદદ કરવાની અરજી કર્યા બાદ આ દંપતિને રૂ.13,500 કરોડના બેન્ક કૌભાંડમાં માફી આપવામાં આવી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એજન્સીએ જણાવ્યું હતું કે 24 જૂનના રોજ પૂર્વી મોદીએ એજન્સીને જાણકારી આપી હતી કે તેમના નામે લંડનની એક બેન્કમાં એકાઉન્ટ હોવાની તેમને માહિતી મળી છે. આ એકાઉન્ટ ભાઇ નીરવે મોદીએ ખોલાવ્યું હતું અને તેમાં પડેલા પૈસા મારા નથી.
તપાસ એજન્સીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે પૂર્વી મોદીને સંપૂર્ણ અને સાચી માહિતી જાહેર કરવાની શરતો સાથે માફી આપવામાં આવી હતી. તેથી પૂર્વી મોદીએ યુકે બેન્ક એકાઉન્ટમાંથી $23,16,889 ભારત સરકારના ખાતામાં જમા કર્યા હતા. માફીની શરતો અનુસાર પૂર્વીએ આ કેસ સંબંધિત તમામ સાચી માહિતીનો પર્દાફાશ કરવો પડશે.
ડાયમંડ મર્ચન્ટ નીરવ મોદીની ભારતમાં પ્રત્યાર્પણ સામેની અરજી ગયા સપ્તાહે યુકે કોર્ટે ફગાવી દીધી હતી. બેન્ક કૌભાંડનો પર્દાફાશ થાય તે પહેલા મહુલ ચોક્સી અને નીરવ મોદી જાન્યુઆરી 2018ના પ્રથમ સપ્તાહમાં ભારતમાંથી ભાગી ગયા હતા.