ભાગેડૂ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીને ગુરૂવારે લંડનમાં વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી માટે હાજર કરાયા પછી તેને 27મી ફેબુ્રઆરી સુધી રીમાન્ડ પર મોકલી દેવાયો છે. નીરવ મોદી ભારતમાં અંદાજે બે અબજ યુએસ ડોલરના પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ભારતમાં પ્રત્યાર્પણનો કેસ લડી રહ્યો છે.
દક્ષિણ-પશ્ચિમ લંડનમાં વાન્ડ્સવર્થ કેદમાં 48 વર્ષીય મોદીને જિલ્લા ન્યાયાધીશ ડેવિડ રોબિન્સન સમક્ષ કેદમાંથી વીડિયો લિંક મારફત હાજર કરવામાં આવ્યો હતો. જજે મોદીને કહ્યું કે મને જણાવાયું છે કે તમારા કેસની કાર્યવાહી 11મી મેએ પ્રત્યાર્પણ માટેની અંતિમ સુનાવણી માટેના નિર્દેશો મુજબ આગળ વધી રહી છે. તેથી જજે આગામી સુનાવણી 28 દિવસ પછી 27મી ફેબુ્રઆરીએ વીડિયો લિંક મારફત સુનાવણી પર મુલતવી રાખી હતી. મોદીના પ્રત્યાર્પણના કેસની સુનાવણી 11મી મે શરૂ થશે અને પાંચ દિવસ ચાલશે.
નીરવ મોદીએ છેલ્લે ગયા વર્ષ નવેમ્બરમાં ‘અસાધારણ’ નજરકેદ સાથે જામીન માટે અરજી કરી હતી. તેણે જામીન અરજી માટે દલીલ કરી હતી કે માર્ચ 2019માં તેની ધરપકડ બાદથી વાન્ડ્સવર્થમાં જેલ પાછળ તેનું માનસિક સ્વાસ્થ્ય કથળ્યું છે. પરંતુ ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા આર્બથનોટે આ વર્ષે તેના પ્રત્યાર્પણ માટે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવામાં નિષ્ફળ જવાની બાબત ટાંકીને તેની જામીન અરજી ફગાવી દીધી હતી.
મોદીના પ્રત્યાર્પણ માટે ભારત વતી લડનારા યુકેની ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસ (સીપીએસ)એ કહ્યું હતું કે યુકેની હાઈકોર્ટે ગયા વર્ષના પ્રારંભમાં મોદીની જામીન અરજી નકારી કાઢ્યા પછી ઉપલી અદાલતમાં જામીન માટે અરજી કરવાની કોઈ સંભાવનાઓ નથી. દરમિયાન નીરવ મોદીના પ્રત્યાર્પણ માટેની સુનાવણી શરૂ ન થાય ત્યાં સુધી વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં પ્રત્યેક 28 દિવસ પછી ‘કોલ-ઓવર’ સુનાવણી માટે હાજર થશે તેવી અપેક્ષા સેવાય છે.