ભારતની પંજાબ નેશનલ બેન્કમાં ગોટાળા અને મની લોન્ડરિંગના કેસમાં ભાગેડુ ડાયમંડ મર્ચન્ટ નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે બ્રિટનની કોર્ટે મંજૂરી આપ્યા બાદ મુંબઈની આર્થર રોડ જેલે તેમના માટે સ્પેશ્યલ સેલ તૈયાર રાખ્યો છે, એમ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું.
જેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે નીરવ મોદીને મુંબઈ લાવવામાં આવ્યા બાદ જેલની બેરેક નંબર 12ની ત્રણમાંથી એક કોટડીમાં રાખવામાં આવશે. નીરવ મોદીને રાખવા માટે જેલમાં તૈયારી પૂરી થઈ છે અને જેલની કોટડી તેમના માટે તૈયાર છે.
મહારાષ્ટ્રના જેલ વિભાગે નીરવ મોદીને રાખવા માટે જેલ અને સુવિધાની સ્થિતિ અંગે 2019માં ભારત સરકારને માહિતી આપી હતી. બ્રિટનમાં પ્રત્યાર્પણ કેસની કાર્યવાહી ચાલુ હોવાથી કેન્દ્ર સરકારે રાજ્ય પાસેથી આ માહિતી માગી હતી.
રાજ્ય સરકારે જેલની સુવિધા અંગે લેટર ઓફ એસ્યોરન્સ આપ્યો હતો. જેલ વિભાગે એવી પણ ખાતરી આપી હતી કે નીરવ મોદીને એવી કોટડીમાં રાખવામાં આવશે કે જ્યાં કેદીની સંખ્યા ઓછી હોય.
જેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે જો નીરવ મોદીને આ બેરેકમાં રાખવામાં આવશે તો તેમને ત્રણ ચોરસ મીટરની પર્સનલ સ્પેસ મળશે. જેમાં કોટન મેટ, પિલો, બેડશીલ અને બ્લેન્કેટ હશે. જેલ વિભાગે પૂરતી લાઇટ, વેન્ટિલેશન અને અંગત સામાન માટે સ્ટોરેજની પણ ખાતરી આપી છે.
મુંબઈની આર્થર રોડ જેલમાં 2500 જેટલા કેદીઓ રાખવામાં આવ્યા છે. જોકે, તેનાથી આ સેલ અલગ છે. તેમાં હાઈ સિક્યોરિટીને સુનિશ્ચિત કરતી તમામ વ્યવસ્થા છે, જેમાં સીસીટીવી કેમેરા તેમજ હથિયારધારી ગાર્ડ્સનો સમાવેશ થાય છે. જેલની ડિસ્પેન્સરીથી તે 100 મીટર દૂર છે.