ભારતના ભાગેડુ ડાયમન્ડ બિઝનેસમેન નીરવ મોદીએ બુધવારે લંડનની હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ભારતમાં પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજી કરવા માટે છેલ્લી ઘડીના પ્રયાસ કર્યા હતા. નીરવ મોદીએ ભારતમાં પ્રત્યાર્પણથી બચવા માટે કોર્ટની સામે જુદા-જુદા બહાના બનાવ્યા હતા. બુધવારના રોજ તેમના વકીલોએ લંડન હાઇકોર્ટમાં મુંબઇની આર્થર રોડ જેલને લઇ દલીલ કરી હતી. નીરવના વકીલે દાવો કર્યો કે આર્થર રોડ જેલમાં કોરોનાની વ્યાપક અસરના લીધે તેમના કલાયન્ટની આત્મહત્યા કરવાની આશંકા વધી જશે. ભારત પ્રત્યાર્પણ બાદ નીરવને આ જેલમાં રાખવાની સંભાવના છે.
નીરવે મોદીને પ્રત્યાર્પણ સામે અરજી કરવાની પરવાનગી આપવી કે નહીં તે અંગે આગામી સપ્તાહોમાં જસ્ટિસ ચેમ્બરલેન નિર્ણય કરશે. જો મંજૂરી નહીં મળે તો નીરવ મોદીને જજના આદેશના 28 દિવસમાં ભારતમાં મોકલવો પડશે. જોકે નીરવ મોદી ફ્રાન્સમાં સ્ટ્રેસબર્ગમાં યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સમાંથી નિયમ-39 હેઠળ ઇમર્જન્સી મનાઇહુકમ (વચગાળાની રાહત) મેળવી શકે છે. વચગાળાના પગલાનો સામાન્ય રીતે 48 કલાકમાં નિર્ણય થતો હોય છે.
50 વર્ષીય નીરવ મોદી ભારતમાં સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્કમાં એક બિલિયન ડોલરના કૌભાંડનો આરોપી છે.
નીરવ મોદી વેન્ડ્સવર્થ જેલમાંથી વિડિયો લીન્ક મારફત કોર્ટમાં હાજર રહ્યો હતો. નીરવ મોદી વતી “રોલ્સ-રોયસ ઓફ બેરિસ્ટર્સ” તરીકે ઓળખાતા એડવર્ડ ફિત્ઝગેરાલ્ડ ક્યુસીએ રજૂઆત કરી હતી.
ફિત્ઝગેરાલ્ડે કોર્ટમાં જણાવ્યું હતું કે નીરવ મોદી માનસિક રીતે અસ્વસ્થ છે. તે ડિપ્રેશન અને સ્યુસાઇડના વિચારોની લાંબી હિસ્ટરી ધરાવે છે. નીરવ મોદી આઠ વર્ષના હતા ત્યારે તેમની માતાએ બાલ્કનીમાંથી છલાંગ લગાવી હતી.
ભારત સરકાર વતી હેલેન માલ્કોમ ક્યુસીએ જણાવ્યું હતું કે ડિપ્રેશન ધરાવતી વ્યક્તિનું પ્રત્યાર્પણ દમનકારી નથી. જોકે ફિત્ઝગેરાલ્ટે સામી દલીલ કરી હતી કે જો નીરવ મોદી ભવિષ્યમાં અપીલ કરવા અનફિટ બની જાય તો પ્રત્યાર્પણ દમનકારી હશે. તેમણે દલીલ કરી હતી કે આર્થર જેલની બેરેક-12નો વિડિયો વેન્ડ્સવર્થ જેલની સ્થિતિ કરતા વધુ સારી સ્થિતિ દર્શાવે છે તેવી જજની ટીપ્પણી તર્કહિન છે. ભારતની જેલ ભીડભાડ વાળી અને કોરોના સંક્રમણ વાળી છે અને ભારતની હેલ્થકેર સિસ્ટમ ભાંગી પડવાની અણીએ છે.
ફિત્ઝગેરાલ્ટ દાવો કર્યો હતો કે ભારતીય ન્યાયાધિશોના વધતા જતા પોલિટાઇઝેશનને કારણે ભારતમાં નીરવ મોદીની યોગ્ય સુનાવણી થશે નહીં. રવિ શંકર પ્રસાદ અને નિર્મલા સીતારામન સહિતના ભારત સરકાર પ્રધાનોએ અગાઉથી નીરવ મોદીને વારંવાર ગુનેગાર જાહેર કરી દીધા છે.