ભારતના ભાગેડુ ડાયમંડ ટ્રેડર નીરવ મોદીના રીમાન્ડ શુક્રવારે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી દરમિયાન લંડનની જેલમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર થયા હતા. કોર્ટે તેના રીમાંડ 25 ફેબ્રુઆરી સુધી લંબાવ્યા છે અને તેના પ્રત્યાર્પણ કેસનો ચૂકાદો પણ એ જ દિવસે અપાશે.
ડિસ્ટ્રીક્ટ જજ એંગસ હેમિલ્ટને મોદીને જણાવ્યું હતું કે, જે દિવસે ચૂકાદો આપવામાં આવશે ત્યારે ફરીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા તેને ઉપસ્થિત રહેવું પડે તેવી સંભાવના વધુ છે.
ભારતીય સત્તાધિશો દ્વારા ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે પોતાની દલીલમાં નીરવ મોદી વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ છેતરપિંડી અને મની લોન્ડરીંગનો કેસ હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. તેની ધરપકડ 19 માર્ચ 2019ના રોજ થયા પછી તે જેલમાં જ છે. મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે અંદાજે બે બિલિયન ડોલરની છેતરપિંડી કરી હતી. આથી ભારતની જુદી જુદી તપાસ એજન્સીઓએ તેની વિરુદ્ધ કેસ કર્યા હતા. આ કેસમાં મોદીના સહયોગી મેહુલ ચોક્સી પણ ભારતમાં વોન્ટેડ છે. બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ દ્વારા ભારત આ વોન્ટેડ આરોપીના પ્રત્યાર્પણની માગ કરી રહ્યું છે.
ધરપકડ પછી મોદીને સાઉથ-વેસ્ટ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં રખાયો છે. તેને ત્યાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટની કાર્યવાહી માટે જોડવામાં આવે છે. બ્રિટનમાં કોરોના વાઇરસના રોગચાળાના કારણે વિવિધ કોર્ટની કાર્યવાહી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવી રહી છે.