ભારતમાં નાણાકીય કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલા બિઝનેસમેન વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી પાસેથી ભારતની બેન્કોએ અત્યાર સુધીમાં રૂ.18000 કરોડની વસૂલાત કરી છે. આ રુપિયા બેન્કમાં પણ પરત આવી ચૂક્યા છે. આ માહિતી સરકાર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં આપી હતી.સરકાર ભાગેડુ બિઝનેસમેન પાસેથી ઝડપથી રૂપિયાની વસૂલી કરવામાં કરવાના પ્રયાસ કરી રહી છે. મની લોન્ડિંગ કેસોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને આપવામાં આવેલી વ્યાપક સત્તાને પડકારી પિટિશનોની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી.
કેન્દ્ર સરકાર વતી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હાલમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 4,700 કેસની તપાસ કરી રહી છે અને કોર્ટમાં આ ગુનામાં સંડોવાયેલી કુલ રૂ.67,000 કરોડની રકમના કેસો કોર્ટમાં પેન્ડિંગ છે. કેટલી રકમ અટવાયેલી છે અને કોર્ટે આપેલા રક્ષણને કારણે વસૂલતા થતી નથી તે દર્શાવવા માટે તેમણે આ આંકડો ટાંક્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશમાં ભાગી ગયેલા કેટલાંક લોકો કોર્ટનું રક્ષણ મેળવી રહ્યાં છે. કોર્ટે બળજબરીના પગલાં ન લેવાની તાકીદ કરી હોવાથી રૂ.67,000 કરોડની રકમ અટવાયેલી છે.વિજય માલ્યાએ ભારતની વિવિધ બેન્કો પાસેથી આશરે રૂ.10,000 કરોડનું ઋણ લીધું હતું. માલ્યાને ભાગેડૂ આર્થિક ગુનેગાર ધારા હેઠળ 2019માં ભાગેડૂ જાહેર કરવામાં આવ્યો હતો.
હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ ભારતની બેન્કો પાસેથી રૂ.14,000 કરોડનું કુલ લોન લીધેલી છે. આ કૌભાંડ પંજાબ નેશનલ બેન્કના કૌભાંડ તરીકે ઓળખાય છે.ગયા વર્ષના ડિસેમ્બરમાં ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણે માહિતી આપી હતી કે જુલાઈ 2021 સુધી બેન્કોએ આ ભાગેડુ બિઝનેસમેનને સંપત્તિનું વેચાણ કરીને રૂ.13,109 કરોડ વસૂલ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કોર્ટના તિરસ્કારના કેસમાં વિજય માલ્યાને 24 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવાની છેલ્લી તક આપી છે. વિજય માલ્યા અને નીરવ મોદી હાલમાં યુકેમાં છે અને તેમને ભારતમાં લાવવાની કાર્યવાહી ચાલું છે. મેહુલ ચોક્સી હાલમાં કેરિબિયન ટાપુ એન્ટિગુઆમાં છે.