ભારતમાં કરોડો રૂપિયાના કૌભાંડના આરોપી નીરવ મોદીને આખરે ભારત લાવવાનો માર્ગ મોકળો થયો છે. બ્રિટનના ગૃહપ્રધાન પ્રીતિ પટેલ ગુરુવારે મોદીના પ્રત્યાર્પણના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતની સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્કને આશરે રૂ.12,000 કરોડનો ચૂનો લગાવી લંડનમાં જઈને બેઠેલા નીરવ મોદીએ પ્રત્યાર્પણથી બચવા ઘણા હવાતિયાં માર્યા હતા. જોકે, ફેબ્રુઆરીમાં કોર્ટે તેની સામે પૂરતા પુરાવા હોવાની વાત માની હતી અને તેની બધી દલીલોને ફગાવી દીધી હતી.
50 વર્ષીય નીરવ મોદીના ભારતમાં પ્રત્યાર્પણનો માર્ગ ખુલ્યો છે, પરંતુ તેની પાસે યુકે હાઇ કોર્ટમાં 28 દિવસની અંદર કાનૂની પડકાર આપવાનો વિકલ્પ છે. ભારતમાં લાવવાની પ્રક્રિયા વિજય માલ્યાના કિસ્સાની જેમ ઘણા મહિના અને વર્ષો સુધી લંબાઈ શકે છે. વિજય માલ્યાએ ફેબ્રુઆરી 2019માં હસ્તાક્ષર થયેલા પ્રત્યાર્પણ આદેશને કોર્ટમાં પડકાર્યો છે.
નીરવે બચવા માટે કોર્ટમાં માનસિક આરોગ્યનું કારણ આગળ ધર્યું હતું, પરંતુ કોર્ટે કહ્યું હતું કે, આવી સ્થિતિમાં તે અસામાન્ય નથી. જજે જણાવ્યું કે, નીરવ મોદીને મુંબઈની આર્થર રોડ જેલમાં પૂરતી સારવાર અપાશે અને માનસિક આરોગ્યની દેખરેખ પણ કરાશે. જજે જણાવ્યું હતું કે, નીરવ મોદીને ભારત મોકલવા પર આત્મહત્યાનો કોઈ ખતરો નથી.
ફોર્બ્સ મુજબ, 2017માં નીરવ મોદીની કુલ સંપત્તિ 180 કરોડ ડોલર (લગભગ 11,700 કરોડ રૂપિયા) હતી. નીરવ મોદીની કંપનીનુ હેડક્વાર્ટર મુંબઈમાં છે. માર્ચ 2018માં નીરવ મોદીએ ન્યૂયોર્કમાં બેંકરપ્સી પ્રોટેક્શન અંતર્ગત અપીલ કરી હતી.