નિરજ અંતાણીએ ઓહાયોના સેનેટર તરીરે શપથ લેતા તેઓ રાજ્યની સેનેટમાં સેવા આપનાર પ્રથમ ઇન્ડિયન અમેરિકન બન્યા છે. 29 વર્ષના નિરજ અંતાણીએ સોમવારે શપથ લીધા હતા અને તેઓ છઠ્ઠા જિલ્લામાંથી ઓહાયો સ્ટેટ સેનેટમાં ચૂંટાયા હતા.
અંતાણીનો કાર્યકાળ ચાર વર્ષનો રહેશે. તેમણે શપથ લીધા બાદ જણાવ્યું હતું કે, હું જે સમુદાયમાં જન્મ્યો છું તેનું પ્રતિનિધિત્ત્વ કરતા સન્માનની લાગણી અનુભવું છું. હું દરેક ઓહાયોવાસી માટે અથાગ મહેનત કરીશ, જેથી તેમને પોતાનું અમેરિકન સ્વપ્ન સિદ્ધ કરવાની તક મળે. આર્થિક અને આરોગ્યલક્ષી અનિશ્ચિતતાના આ સમયમાં તમામ ઓહાયોવાસીના લાભાર્થે નીતિઓ બનાવવી પડશે. નિરજ અંતાણી અગાઉ 2014થી 42મા ઓહાયો હાઉસ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝમાં સેવા આપનારા ઓહાયો સ્ટેટના સૌથી યુવા સભ્ય હતા.