રીપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્ટપદના ઉમેદવારોમાંના એક, ઈન્ડિયન અમેરિકન નિક્કી હેલીએ ગયા સપ્તાહે સુસાન બી. એન્થની પ્રો-લાઈફ અમેરિકાના નોર્ધન વર્જીનીઆના હેડક્વાર્ટર્સ ખાતે એબોર્શન (ગર્ભપાત)ના મુદ્દે કરેલા સંબોધનમાં કોઈ ચોક્કસ તથા અનેક રીપબ્લિકન ઉમેદવારો જેવા કોઈ કટ્ટરવાદી અભિગમના બદલે સર્વસંમતિનો માર્ગ અપનાવવાનો અનુરોધ કર્યો હતો.
હેલીના આ સંબોધનને એક મહત્ત્વનું નીતિવિષયક ભાષણ ખપાવાય છે. તેમાં તેણે એબોર્શન ઉપર કેવા કડક પ્રતિબંધો હોવા જોઈએ તે વિષે વાત કરવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે, આ મુદ્દે ફેડરલ સરકારનું સામેલપણું આવશ્યક છે, પણ એ કેવી રીતે હોવું જોઈએ તેના વિષે તેમણે કઈં કહ્યું નહોતું.
હેલીએ એ વાત ઉપર ભાર મુક્યો હતો કે, પોતાના ગવર્નર તરીકેના શાસન કાળમાં રીપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ વચ્ચે એક ખૂબજ પેચિદા મુદ્દા ઉપર સર્વસંમતિ સાધી શકાઈ હતી. બન્ને પક્ષના નેતાઓએ પરસ્પર માનવી તરીકે સંવાદ કરી વિવાદના ઉકેલની દિશામાં પ્રગતિ સાધી હતી. અમે પોતાના મતભેદોને એક તરફ મુકી એક રાજ્ય અને એક પ્રજા તરીકે આગળ વધી શક્યા હતા. તેઓ સાઉથ કેરોલાઈનામાં કોન્ફેડરેટ ફલેગ હટાવવાના મુદ્દે 2015માં પોતે ગવર્નર હતા ત્યારે સધાયેલી સર્વસંમતિની યાદ તાજી કરી રહ્યા હતા.
હેલીએ વધુમાં કહ્યું હતું કે, એ વખતે ફલેગનો મુદ્દો ઉકેલી શકાયો હતો, તો હવે એબોર્શનનો મુદ્દો પણ એ જ રીતે ઉકેલી શકાય. પોતે ચોક્કસપણે માને છે કે, એબોર્શન મુદ્દે ફેડરલ સરકારની ભૂમિકા છે. હું ઈચ્છું છું કે, શક્ય એટલા વધુમાં વધુ શિશુઓને બચાવી શકું અને શક્ય એટલી વધુમાં વધુ માતાઓને પણ મદદરૂપ થઈ શકું. આ મારો ધ્યેય છે. રાષ્ટ્રીય સ્તરે – ફેડરલ સ્તરે એની સિદ્ધિ માટે હવે પછી ચૂંટાનારા પ્રેસિડેન્ટે રાષ્ટ્રીય સર્વસંમતિ હાંસલ કરવી જોઈએ.