સીએનએન દ્વારા તાજેતરમાં થયેલા એક સર્વેમાં જણાયું છે કે, સાઉથ કેરોલાઈનાનાં ભૂતપૂર્વ ગવર્નર નિક્કી હેલી માત્ર એક એવા રીપબ્લિકન છે જે 2024ની અમેરિકાના પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં જો બાઇડેનને હરાવી શકે.
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ હતા ત્યારે હેલી યુનાઇટેડ નેશન્સમાં અમેરિકાના એમ્બેસેડર હતા, પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં રીપબ્લિકન્સ તરફથી ઘણા દાવેદારો છે અને તેમાં બે ઇન્ડિયન અમેરિકન્સનો સમાવેશ થાય છે. જો કે, રીપબ્લિકન્સના આ તaમામ દાવાદોરોમાં ડોનાલ્ડ ટ્રમ્પ સ્પર્ધામાં મોખરે છે. આ સર્વે મુજબ, રીપબ્લિકન્સમાં બાઇડેનનો મુકાબલો કરી શકે તેવા કોઇ સ્પષ્ટ હરિફ જોવા મળતા નથી, જો કે નિક્કી હેલી અપવાદ છે.
લોકપ્રિયતામાં બાઇડેન તેમનાથી પાછળ છે. સર્વેમાં જણાયું છે કે, 2020ની ચૂંટણીની વસ્તી વિષયક બાબતોની જેમ જ નોંધાયેલા મતદારો અત્યારે પણ ટ્રમ્પ (47 ટકા) અને બાઇડેન (46 ટકા) વચ્ચે વહેંચાયેલા છે. બાઇડેન અન્ય હરિફો રોન ડીસેન્ટિસ, માઇક પેન્સ, ટિમ સ્કોટ, વિવેક રામાસ્વામી, ક્રિસ કિસ્ટી સાથે ટકાવારી મુજબ સ્પર્ધામાં છે.
આ તમામ હરિફોમાં રીપબ્લિકન તરફથી માત્ર નિક્કી હેલી જ 49 ટકા મત સાથે બાઇડેન (43 ટકા)નો મુકાબલો કરી રહ્યા છે. આ ન્યૂઝ ચેનલના જણાવ્યા પ્રમાણે, નિક્કી હેલીને બાઇડેનની સરખામણીમાં શિક્ષિત શ્વેત (વ્હાઇટ) મતદારોનો ફાયદો મળી રહ્યો છે. તેમને આવા લોકો તરફથી 51 ટકા સમર્થન મળી રહ્યું છે, જ્યારે અન્ય રીપબ્લિકન્સને 48 ટકા અથવા તેનાથી ઓછું સમર્થન મળી રહ્યું છે. નિક્કી હેલીના કેમ્પેઇને સર્વેના તારણોને આવકારીને કહ્યું હતું કે, બાઇડેન કેમ્પેઇનના ડેમોક્રેટિક સીનિયર વ્યૂહરચનાકારે સ્વીકાર્યું હતું કે, “નિક્કી હેલી ઉમેદવાર બનશે તો અમારી મુશ્કેલી વધશે.”