રિપબ્લિકન પાર્ટી વતી પ્રમુખપદની ઉમેદવારી જાહેર કરનારા નિક્કી હેલીએ 7.3 મિલિયન પરોક્ષ ડોનેશન સહિત બીજા ક્વાર્ટરમાં $26 મિલિયનનું ચૂંટણીભંડોળ એકત્ર કર્યું હતું. પાર્ટીના ઉમેદવાર બનવાની સ્પર્ધામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ડીસેન્ટિસની તુલનામાં રિપબ્લિકન્સમાં ઓછું સમર્થન મળી રહ્યું હોવા છતાં તેમને નાણાકીય સમર્થન મળી રહ્યું છે.
હેલીને ટેકો આપતી સુપર પીએસી સ્ટેન્ડ ફોર અમેરિકા ફંડએ એપ્રિલથી જૂન સુધીમાં $18.7 મિલિયન એકત્ર કર્યા હતા. તેનાથી કુલ રકમ $26 મિલિયન થઈ હતી. સોમવારે નિક્કી હેલીની પ્રચાર સમિતિએ જાહેર કરેલ 7.3 મિલિયનનુ ડાયરેક્ટ ડોનેશન ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસ અને પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે જાહેર કરેલા ચૂંટણી ફંડ એકત્રીકરણની રકમ કરતાં ઘણું ઓછું છે. રિપબ્લિકન પાર્ટી તરફ રોન ડીસેન્ટિસ અને ટ્રમ્પ પણ ઉમેદવાર બનવાની સ્પર્ધામાં છે.
ટ્રમ્પની કેમ્પેઇન કમિટીએ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે તેને બીજા ક્વાર્ટરમાં 35 મિલિયન ડોલર એકત્ર કર્યાં છે. ટ્રમ્પ બે કેસોમાં આરોપોનો સામનો કરી રહ્યાં હોવા છતાં નાના દાતા તરફથી તેમને સમર્થન મળી રહ્યું છે. ડિસેન્ટિસની કેમ્પેઇન કમિટીએ 20 મિલિન ડોલર એકઠા કર્યાં છે. આ બંને ઉમેદવારોએ હજુ તેમની સંલગ્ન સુપર પીએસીના બીજા ક્વાર્ટરના આંકડા જાહેર કર્યા નથી.
સાઉથ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર હેલીએ ટ્રમ્પ સરકાર દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત તરીકે સેવા આપી હતી, પરંતુ ઉમેદવાર બન્યાં બાદ ખાસ કરીને યુક્રેનના મુદ્દે ટ્રમ્પની આકરી ટીકા કરી રહ્યાં છે. ટ્રમ્પ અને ડીસેન્ટિસની સરખામણીમાં નિક્કી હેલીને વધુ ઉદાર ઉમેદવાર માનવામાં આવે છે અને તેમને બિઝનેસ કમ્યુનિટીનો ટેકો છે.
રિપબ્લિકન્સમાં ટ્રમ્પ ટોચની પસંદગી રહ્યાં છે અને નિક્કી હેલી ચોથા ક્રમે છે. રીયલ ક્લિયર પોલિક્સના ડેટા મુજબ ટ્રમ્પને રિપબ્લિકન્સમાં 53 ટકા, ડીસેન્ટિસને 20.9 ટકા સમર્થન છે, જ્યારે હેલીને સરેરાશ 3.6 ટકા સમર્થન છે. આમ હેલી ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ માઇક પેન્સ કરતા પણ પાછળ છે.