Nikki Haley's Cautionary Approach to Abortion
Getty Images)

રીપબ્લિકન નેતા અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાકાળમાં અમેરિકાના સંયુક્ત રાષ્ટ્રો ખાતેના એમ્બેસેડર રહી ચૂકેલી ઈન્ડિયન અમેરિકન નેતા નિક્કી હેલીએ પોતે 2024માં અમેરિકાના પ્રેસિડેન્ટપદ માટે પોતાની ઉમેદવારીની મંગળવારે (14 ફેબ્રુઆરી) જાહેરાત કરી દીધી હતી. આ રીતે, હેલીએ ટ્રમ્પ સામે રીપબ્લિકન પાર્ટીના નોમિનેશન સામે પડકાર ઉભો કર્યો છે. તેણે વોશિંગ્ટનમાં આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પોતે અમેરિકાની નેતાગીરીમાં નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 

એક વિડિયો સ્ટેટમેન્ટમાં આ જાહેરાત કરતાં નિક્કી હેલીએ કહ્યું હતું કે, હું નિક્કી હેલી છું અને હું પ્રેસિડેન્ટપદ માટેની ઉમેદવાર છું. સાઉથ કેરોલાઈનાની ભૂતપૂર્વ ગવર્નર, 51 વર્ષની નિક્કીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે નવી પેઢીના નેતાઓ માટેનો સમય આવી ગયો છે – આપણે ફિસ્કલ જવાબદારી નવસેરથી સુનિશ્ચિત કરવાની છે, આપણી સરહદોને વધુ સુરક્ષિત કરવાની છે તેમજ આપણા દેશ, આપણા ગૌરવ અને આપણા હેતુને વધુ સુદ્રઢ બનાવવાના છે.” 

ઈન્ડિયન અમેરિકન માઈગ્રન્ટ્સની પુત્રી, નિક્કીએ પોતાને 76 વર્ષના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં વધુ તાજગીસભર, વધુ યુવાન વિકલ્પ તરીકે પ્રસ્તુત કરી છે. તેમણે થોડા સપ્તાહ પહેલા જ પોતાના આવા ઈરાદાના સંકેતો તો આપ્યા જ હતા, સાથે સાથે એવું પણ કહ્યું હતું કે, પોતે 15મી ફેબ્રુઆરીએ એક મોટી જાહેરાત કરશે. આપેલા સંકેત કરતાં એક દિવસ વહેલી નિક્કીએ આ જાહેરાત કરી હતી. 

નિક્કીના કહેવા મુજબ આ દેશ અને રીપબ્લિકન પાર્ટી છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન પોતાના માર્ગેથી ભટકી ગયા છે ત્યારે પોતે પાર્ટી અને દેશ, બન્નેમાં નવું જોમ પુરી શકે તેવા પરિવર્તનલક્ષીનો વિકલ્પ છે. વંશવાદી તંગદિલીના કારણે તાણગ્રસ્ત બની ચૂકેલા અમેરિકામાં નિક્કીએ પોતાના બેકગ્રાઉન્ડનો ઉપયોગ કરી દેશમાં એકતા લાવવાનો ધ્યેય દર્શાવ્યો હતો. 

વિડિયો ક્લિપમાં નિક્કીએ કહ્યું હતું કે, હું ઈન્ડિયન માઈગ્રન્ટ્સની એક ગૌરવશાળી દિકરી હતી. હું બ્લેક નહોતી, હું વ્હાઈટ નહોતી, હું અલગ જ હતી. જો કે, મારી માતા મને હંમેશા કહેતી કે તારૂં કામ તફાવતો ઉપર નહીં પણ સમાનતાઓ ઉપર ધ્યાન આપવાનું છે. 

LEAVE A REPLY