ભારતની બોક્સર નિખટ ઝરીન 52 કિલોગ્રામ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે. તેણે ફાઈનલમાં થાઈલેન્ડની જિતપોંગ જુટામેન્સને 5-0 થી હરાવી હતી. તેલંગાણાની નિખટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરનારી ભારતની પાંચમી મહિલા બોક્સર છે. નિખટની બોક્સર બનવાની કહાની પણ રસપ્રદ છે. પિતા મોહમ્મદ જમીલ પોતે ફૂટબોલ અને ક્રિકેટ રમતા હતા તેઓ ઈચ્છતા હતા કે તેમની 4 પુત્રીઓમાંથી કોઈ એક ખેલાડી બને. તેમણે પોતાની ત્રીજી દિકરી નિખટ માટે એથલેટિક્સ પસંદ કર્યુ અને નાની ઉંમરે જ સ્ટેટ ચેમ્પિયન બનેલી નિખટે પણ પિતાનો આ નિર્ણય યથાર્થ સાબિત કર્યો હતો. પરંતુ કાકાની સલાહ મુજબ નિખટે બોક્સિંગ રીંગમાં ઉતરી 14 વર્ષની ઉંમરમાં જ વર્લ્ડ યુથ બોક્સિંગ ચેમ્પિયનનો તાજ પ્રાપ્ત કર્યો હતો. એ પછી એક-એક કરીને તે સફળતાની સીડીઓ ચઢતી ગઈ. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવો આ સફરનો સૌથી મહત્વનો પડકાર છે.
ભારતમાં મહિલા બોક્સિંગની શિરોમણી 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરીકોમ છે પરંતુ નિખટે આ લિસ્ટમાં પોતાનુ નામ નોંધાવી દીધું છે. આ માટે તેને જો કે, લાંબી રાહ જોવી પડી હતી. ખભાની ઈજાના કારણે નિખટ 2017માં બોક્સિંગ રીંગમાં ઉતરી શકી નહોતી. હવે 5 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક વિજય પછી તે ઉદાસી અને દુખ બંને દૂર થઈ ગયા છે.
નિખટના પિતા મોહમ્મદ જમીલે પ્રતિભાવ આપતાં જણાવ્યુ હતું કે, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં નિખટને ગોલ્ડ મેડલ મળવાથી મુસ્લિમ યુવતીઓની સાથે-સાથે દેશની દરેક યુવતીને જીવનમાં મોટુ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરશે. નિખતેટે પોતે જ પોતાનો રસ્તો તૈયાર કર્યો છે.
કાકા શમ્સુદ્દીનના બંને દિકરા એતેશામુદ્દીન અને ઈતિશામુદ્દની બોક્સર હોવાના કારણે, નિખટને બોક્સર બનવા માટે ક્યાંય બહારથી પ્રેરણાની જરૂર પડી નહતી. જો કે નિખટે 2000ના દાયકામાં બોક્સિંગ શરૂ કર્યું ત્યારે નિઝામાબાદ અને હૈદરાબાદમાં બહુ ઓછી મહિલા બોક્સર હતી.
નિખટની બે મોટી બહેનો ડોક્ટર છે. મારો તમામ સમય નિખટ અને તેની નાની બહેનની ટ્રેનિંગમાં જ નીકળી જાય છે. મને યાદ છે કે જ્યારે નિખટે બોક્સર બનવાની પોતાની ઈચ્છા વિશે જણાવ્યું તો અમારા મનમાં કોઈ મૂંઝવણ નહોતી. પરંતુ, ક્યારેક સગા-વ્હાલા કે મિત્ર એ કહેતા હતા કે છોકરીઓએ આવુ સ્પોર્ટસમાં પડવું જોઈએ નહીં.
નિખટે 2011માં યુથ વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે જ ભારતીય બોક્સિંગના નવા સ્ટાર તરીકે દમદાર પ્રવેશ કર્યો હતો, પરંતુ તેને રાષ્ટ્રીય સ્તરે ચમકવા માટે 5 વર્ષની રાહ જોવી પડી. તે 2016માં ફ્લાઈવેટ કેટેગરીમાં પહેલીવાર સીનિયર નેશનલ ચેમ્પિયન બની.