(Photo by Steve Jennings/Getty Images for TechCrunch)

અમેરિકામાં સૌથી વધુ વેતન મેળવતા CEOsની ધ વોલ સ્ટ્રીટ જર્નલની 2023ની યાદીમાં પાલો અલ્ટો નેટવર્ક્સના ભારતીય મૂળના સીઇઓ નિકેશ અરોરા બીજા સ્થાને રહ્યાં હતા. $151.43 મિલિયનના વેતન  સાથે 56-વર્ષીય નિકેશ અરોરાની કમાણી મેટાના માર્ક ઝુકરબર્ગ અને ગૂગલના સુંદર પિચાઈ જેવા ઘણા ટેક દિગ્ગજો કરતાં વધી ગઈ હતી.

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં ઉચી કમાણી કરનારાઓમાં ભારતીય મૂળના એક્ઝિક્યુટિવની મજબૂત હાજરીને પ્રકાશિત કરવામાં આવી હતી. ટોચના 500 સીઇઓમાં 17 સીઇઓ ભારતીય મૂળના હતા. એડોબનાના શાંતનુ નારાયણ 11મા ક્રમે રહ્યાં હતાં.

નિકેશની કુલ સેલેરી 151.43 મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ હતી અને તેનું મુખ્ય કારણ સ્ટોક ઓપ્શન હતું. આ રિપોર્ટમાં ભારતીય મૂળના સીઈઓને ખાસ સ્થાન મળ્યું હતું. ભારતમાં જન્મેલા શાંતનુ 44.93 મિલિયન ડોલરની સાથે 11મા સ્થાને રહ્યાં હતાં.

રસપ્રદ વાત એ છે કે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અને આલ્ફાબેટના સુંદર પિચાઈ જેવા ટેક જાયન્ટ્સે 2023માં બિન-પરંપરાગત વેતન માળખાની જાહેરાત કરી હતી. મસ્કને કોઈ વળતર મળ્યુ નહીં જ્યારે પિચાઈએ 8.80 મિલિયન ડોલર કમાયા હતાં. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ $24.40 મિલિયનની સાથે લિસ્ટમાં ક્યાંક વચ્ચે રહ્યા હતાં.

નિકેશ અરોરાનો જન્મ 9 ફેબ્રુઆરી, 1968ના રોજ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં થયો હતો. તેમના પિતા ભારતીય એરફોર્સમાં ફરજ બજાવતા હતાં. 1989માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (BHU), વારાણસીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા હતા. વિપ્રોમાં થોડા સમય પછી તેઓ બોસ્ટનની નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટીમાં MBA માટે યુએસ ગયા હતા.

2004માં નિકેશ અરોરા ગૂગલમાં જોડાયા. તેમણે યુરોપ ઓપરેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ, યુરોપ, મિડલ ઇસ્ટ અને આફ્રિકાના પ્રેસિડેન્ટ અને છેવટે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઓફિસર જેવા મોટા હોદ્દા સંભાળ્યા હતા. તેણે લગભગ 10 વર્ષ સુધી ગૂગલમાં કામ કર્યું હતું.

નિકેશ અરોરા દિલ્હીના એરફોર્સ પબ્લિક સ્કુલના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તેઓ ગૂગલમાં મુખ્ય ચીફ બિઝનેસ ઓફિસર તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન પ્રસિદ્ધિમાં ઉભરી આવ્યા હતા. 2014માં ગૂગલ છોડ્યા બાદ તેમણે રેકોર્ડ તોડ વળતર પેકેજની સાથે જાપાનમાં સોફ્ટબેન્કનું નેતૃત્વ કરીને ચર્ચા મેળવી. 2018થી તેઓ એક સાઈબર સુરક્ષા ફર્મ પાલો ઓલ્ટો નેટવર્ક્સને ચલાવી રહ્યા છે.

LEAVE A REPLY