નિકેશ મહેતા ઓબીઇની સિંગાપોરમાં બ્રિટિશ હાઇ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને જુલાઈમાં ચાર્જ સંભાળશે. તેઓ કારા ઓવેન સીએમજીનું સ્થાન લેશે, જેમને અન્ય રાજદ્વારી સેવામાં ટ્રાન્સફર કરાયા છે, એવી બુધવારે (27)એ એક સત્તાવાર નિવેદનમાં જાહેરાત કરાઈ હતી.
હાલમાં મહેતા નેશનલ સિક્યુરિટી કોમ્યુનિટીમાં પોલિસી અને જરૂરિયાતો માટેના ડાયરેક્ટર છે. તેઓ 2018થી 2022 સુધી સિઓલમાં બ્રિટિશ એમ્બેસીમાં ડેપ્યુટી એમ્બેસેડર હતાં. તેઓ 2002માં ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)માં જોડાયા હતાં અને તેમણે ઈરાક, યુગાન્ડા અને મલેશિયામાં કામ કર્યું છે. યુગાન્ડામાં નિમણૂક તેમના માટે ખાસ હતી, કારણ કે તેમની માતા યુગાન્ડના-એશિયન હતાં અને 1970ના દાયકાની શરૂઆતમાં ઇદી અમીનના ત્રાસને કારણે વિસ્થાપિત બન્યાં હતાં.
તેઓ મલેશિયામાં પોલિટિકલ કાઉન્સેલર્સ પણ હતાં તથા 2014 અને 2015માં મલેશિયાની બે એરલાઇન્સ દુર્ઘટના માટે યુકેના પ્રતિભાવ માટે જવાબદાર હતાં. યુકેમાં તેમણે મુખ્યત્વે સંઘર્ષ અને સુરક્ષા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
રાજદ્વારીએ ત્રણ વર્ષ (2015-2018) માટે સરકારી કમ્યુનિકેશન હેડક્વાર્ટર (GCHQ) ખાતે ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે વૈશ્વિક સાયબર-સિક્યોરિટી પર કામ કર્યું હતું. તેમણે લઘુમતી પશ્ચાદભૂમાંથી કર્મચારીઓની ભરતી અને વિકાસને સુધારવા માટે ઝુંબેશનું નેતૃત્વ પણ કર્યું હતું.
સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે “મહેતાએ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન વિવિધતા અને સર્વસમાવેશકતાની સતત હિમાયત કરી છે. તેઓ દ્રઢપણે માને છે કે રાજદ્વારી સેવાએ યુકેના સમાજને યોગ્ય રીતે પ્રતિબિંબિત કરવું જોઈએ, અને આ વિવિધતા દેશની સૌથી મોટી શક્તિઓમાંની એક છે,”
બ્રિટિશ વિદેશ નીતિ અને વિવિધતામાં યોગદાન બદલ તેમને 2014માં ક્વીન્સ બર્થડે ઓનર લિસ્ટમાં OBE એનાયત કરવામાં આવ્યો હતો.