મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સ અને રેન્ડલ ચેરિટેબલ ફાઉન્ડેશનના ચેરમેન ડો. નિક કોટેચા OBEએ LDCની 2021ની ટોપ 50 મોસ્ટ એમ્બિશિયસ બિઝનેસ લીડર્સની યાદીમાં સ્થાન હાંસલ કર્યું છે. ધી ટાઇમ્સ દ્વારા સમર્થિત આ પ્રોગ્રામમાં યુકેની સૌથી સફળ અને ઝડપી વૃદ્ધિ નોંધાવતી કંપનીઓના પ્રેરણાદાયી લીડર્સનું સન્માન કરવામાં આવે છે.
ટોચના 50 બિઝનેસ લીડર્સ દેશભરની વિવિધ ક્ષેત્રોમાં બિઝનેસ કરતી કંપનીઓમાંથી આશરે 600 નોમિનેશન આવ્યા હતા અને તેમની 50ની પસંદગી થઈ હતી. આ કંપનીઓ આશરે 9,500 લોકોને રોજગારી પૂરી પાડે છે અને યુકેના અર્થતંત્રમાં 1.2 બિલિયન પાઉન્ડનું યોગદાન આપે છે.
ડો. કોટેચાની કંપની મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સ લોફબારોમાં આવેલી છે અને તે જેનેરિક મેડિસિનનું ઉત્પાદન કરી યુકે અને આંતરાષ્ટ્રીય બજારમાં સપ્લાય કરે છે.
મોર્નિંગસાઇડની સ્થાપના 1990ના દાયકામાં હોમ ગેરેજમાં કરવામાં આવી હતી અને હાલમાં તે યુકેની વિવિધ પ્રકારની ક્વોલિટી મેડિસિનનો સપ્લાય કરતી અગ્રણી કંપનીઓમાં સામેલ થઈ છે. આ કંપની આંતરરાષ્ટ્રીય સહાય સંગઠનો, એનજીઓ અને ચેરિટી સંસ્થાઓને સપ્લાય કરે છે. કંપનીએ તેની સ્થાપના પછીથી 120 કરતાં વધુ દેશોમાં નિકાસ કરી છે.
ઇનોવેશન, નિરંતર સુધારા અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં નોંધપાત્ર રોકાણ પર ફોકસ મારફત મોર્નિંગસાઇડ મેડિસિન લેવા માટે દર્દીઓ માટે નવા માર્ગ વિકસાવ્યા છે અને તેમના જીવનને વધુ સરળ બનાવ્યું છે.હાલમાં તેના બિઝનેસમાં 240 જેનેરિક અને બ્રાન્ડેડ લાઇસન્સ્ડ મેડિસિનનો સમાવેશ થાય છે.
ડો. કોટેચા રેન્ડલ ચેરિટેબલ ફાઉન્ડેશનના ચેરમેન પણ છે. આ ફાઉન્ડેશનને 2017માં તેની સ્થાપના પછીથી યુકે અને વિશ્વમાં લોકોના જીવનમાં સુધારો કરવા 9 મિલિયન પાઉન્ડનું યોગદાન આપ્યું છે.
આ પ્રતિષ્ઠિત પ્રોગ્રામમાં સામેલ થવા અંગે પ્રતિક્રિયા આપતા ડો. કોટેચાએ જણાવ્યું હતું કે ઘણા પ્રતિભાશાળી બિઝનેસ લીડર્સ અને ઉદ્યોગસાહસિકોની સાથે આ રાષ્ટ્રીય યાદીમાં સમાવેશ મારા માટે મોટું ગૌરવ અને સન્માન છે. મારી એક પ્રબળ ઇચ્છા યુવા ઉદ્યોગસાહસિકો સાથે કામ કરવાની તથા તેમને જરૂરી કુશળતા અને અનુભવ મેળવવામાં મદદ કરવાની તથા ભવિષ્યના સફળ બિઝનેસનું નિર્માણ કરવાની છે. મને આશા છે કે મારી સફળતા અને અનુભવથી બીજા લોકોને કંઇ નવું કરવાની અને ઉદ્યોગસાહસિકતાનું સપનું પૂરી કરવાની પ્રેરણા મળશે.