કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ભય વચ્ચે ગુજરાત સરકારે શુક્રવારે આઠ મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂને 31 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે. રાજ્યના જે આઠ મહાનગરપાલિકામાં નાઈટ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે તેમાં, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકાર દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનની સૂચનામાં કહેવામાં આવ્યું હતું કે તમામ દુકાનો અને સંસ્થાઓ મધરાત સુધી ખુલ્લી રહી શકશે. તેમજ રેસ્ટોરન્ટ 75% ક્ષમતા સાથે મધ્યરાત્રિ સુધી ખુલ્લી રહી શકે છે અને સિનેમા હોલ 100% ક્ષમતા પર કામ કરી શકે છે. ઉપરાંત જીમ 75% ક્ષમતા બગીચા અને ઉદ્યાનો રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું.
જામનગરમાં ઝિમ્બાવવેથી આવેલા 72 વર્ષીય વૃદ્ધમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થયા બાદ શુક્રવારે તેમના પત્ની અને સાળાનો પણ ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો હતો. આ સાથે જ ગુજરાતમાં હવે ઓમિક્રોન વેરિયન્ટના કેસોની કુલ સંખ્યા 3 પર પહોંચી ગઈ હતી અને આ ત્રણેય કેસ જામનગરમાં જ નોંધાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ હતો.
ભારત સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાની સારવાર માટે વધુ માળખું ગોઠવવા સૂચના આપી છે. ક્લિનિક સારવારમાં વપરાતી આઠ મહત્વની દવાઓનો પૂરતો બફર સ્ટોક સુનિશ્ચિત કરવા, કેસોમાં સંભવિત વધારાને પહોંચી વળવા માટે હોસ્પિટલોની પૂર્વ તૈયારી અંગેની સમીક્ષા કરવા માટે તાકીદ કરી હતી.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)