ગુજરાત સરકારે રાજ્યના ચાર મહાનગરોમાં નાઇટ કરફ્યુ 28 ફેબ્રુઆરી સુધી લંબાવવાનો સોમવાર, 15 ફેબ્રુઆરીના રોજ નિર્ણય કર્યો હતો. જોકે નાઇટ કરફ્યુમાં થોડી વધારે છૂટ આપવામાં આવી હતી. નાઇટ કરફ્યુ હવે 28 ફેબ્રુઆરી સુધી રાત્રે 12 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી રહેશે. અત્યાર સુધી નાઇટ કરફ્યુ રાત્રે 11 વાગ્યે શરૂ થતો હતો. આ ચાર મહાનગરોમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટનો સમાવેશ થાય છે.
હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ પણ જામ્યો છે, તેના કારણે રાત્રિ કરફ્યુ ઉઠાવી લેવાય તેવી શક્યતા હતી. જોકે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ ભાજપના બે સિનિયર નેતાઓને કોરોના થયો હોવાનું સામે આવ્યું છે તેવામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભેગી થતી ભીડને કારણે સ્થિતિ વધુ ના વકરે તે માટે રાત્રિ કરફ્યુ આ મહિના પૂરતો ચાલુ રાખવામાં આવશે.
સરકારના આંકડા અનુસાર હાલની સ્થિતિએ રાજ્યમાં 1739 એક્ટિવ કેસો છે, અને 24817 લોકો ક્વોરન્ટાઈન છે. રાજ્યમાં અત્યારસુધી કોરોનાને કારણે કુલ 4,398 લોકોના મોત થયા છે, જ્યારે કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા 2.59 લાખ જેટલી થવા જાય છે. હાલ અમદાવાદમાં સૌથી વધુ 554 એક્ટિવ કેસ છે.