ગુજરાતના ચાર મહાનગરોમાં પહેલી જાન્યુઆરી 2021થી રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કરફ્યૂ રહેશે. હાલમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રે નવ વાગ્યાથી સવાર છ વાગ્યા સુધી નાઇટ કરફ્યૂ છે, જેના સમયમાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય ઉતરાયણ સુધી અમલી રહેશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે બુધવારે નિર્ણય કર્યો હતો. 14 જાન્યુઆરી બાદ નવી વ્યવસ્થાની જાહેરાત કરાશે. આ વર્ષે વિવિધ શહેર અને જિલ્લામાં યોજાતા પતંગોત્સવ તથા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે નહીં. રાજ્યમાં સામાન્ય રીતે અલગ અલગ 8 જગ્યાએ પતંગોત્સવ યોજાતા હોય છે.
ઉતરાયણ માટે નવું જાહેરનામું
ઉતરાયણના ઉત્સવના સંદર્ભમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ જારી કર્યું હતું. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જારી કરેલા જાહેરનામું મુજબ ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચાઈનીઝ દોરીના વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયો છે. તેમજ શહેરના માર્ગો પર, ફૂટપાથ પર પતંગ ઉડાડવા પર, લાઉડ સ્પીકર, ઉશ્કેરણીજનક રીતે પતંગ ઉડાડવા પર પણ પ્રતિબંધ રહેશે. એ સિવાય વાયર પર લંગર, બંબુ, લોખંડના ઝંડા નાખવા પર કાર્યવાહી થશે.