ભારતની તપાસ એજન્સી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ શનિવાર (5 નવેમ્બરે) ભાગેડુ ડોન દાઉદ ઈબ્રાહિમ, તેના નજીકના સાગરિત છોટા શકીલ અને અન્ય ત્રણ ગેંગસ્ટર વિરુદ્ધ મુંબઈની વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી છે. હાલમાં દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં હોવાનું માનવામાં આવે છે અને ભારતમાં ઘણા આતંકી હુમલામાં તેની સંડોવણીની આશંકા છે.
એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક આતંકવાદી નેટવર્ક અને ડી-કંપની નામના આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાહિત સિન્ડિકેટના કનેક્શનના કેસમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે. ડી-કંપની ભારતમાં વિવિધ આતંકવાદી અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) ધારાની વિવિધ કલમો અને મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ તથા ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આ કેસ 3 ફેબ્રુઆરીએ મુંબઈના પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયો હતો. આરોપનામું દાખલ થયું છે તેવા અન્ય ત્રણ લોકોમાં આરીફ અબુબકર શેખ, શબ્બીર અબુબકર શેખ અને મોહમ્મદ સલીમ કુરેશીનો સમાવેશ થાય છે. આ તમામ મુંબઈના રહેવાસી છે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “તપાસમાં સ્થાપિત થયું છે કે આતંકવાદી ગેંગ ડી-કંપની અને એક સંગઠિત અપરાધ સિન્ડિકેટના સભ્યોએ વિવિધ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરીને ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો કરવાનું કાવતરું ઘડ્યું હતું.” NIAએ જણાવ્યું હતું કે આરોપીએ ડી-કંપની માટે લોકોને ધમકાવીને જંગી રકમ એકત્ર કરી હતી અને ખંડણી વસૂલી હતી. તેમનો ઇરાદો ભારતની સુરક્ષાને જોખમમાં નાંખવાનો અને લોકોના મનમાં આતંકી ફેલાવાનો હતો.