ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ રવિવારે પાકિસ્તાન સમર્થિત ગઝવા-એ-હિંદ આતંકવાદી મોડ્યુલ કેસમાં ગુજરાત સહિતના કેટલાંક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા અને ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ડિવાઇસિસ જપ્ત કર્યા હતાં. આ તપાસ દરમિયાન શકમંદોના પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ સાથેના સંબંધો પણ બહાર આવ્યાં હતાં.
NIA તપાસ બહાર આવ્યું છે કે તાહિર સમગ્ર ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ કરવા માટે સ્લીપર સેલ ઉભા કરવાના હેતુ સાથે ગ્રૂપના સભ્યોને ઉશ્કેરવાનો પ્રયાસ કરતો હતો. તેને ‘બીડીગઝવા-એ-હિંદબીડી’ નામથી બીજું વ્હોટ્સએપ ગ્રૂપ પણ બનાવ્યું હતું. જેમાં તેને બાંગ્લાદેશી નાગરિકોનો ઉમેરો કર્યો હતો.
તપાસ એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં, ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લામાં અને કેરળના કોઝિકોડ જિલ્લામાં શંકાસ્પદ લોકોના ઘરો પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ શકમંદો પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતાં અને ગઝવા-એ-હિંદના કટ્ટરપંથી અને ભારત વિરોધી પ્રચારમાં સામેલ હતાં.
બિહારના પટના ખાતેના ગઝવા-એ-હિંદ કેસમાં એજન્સીએ આ કાર્યવાહી કરી હતી. બિહારના ફુલવારીશરીફ પોલીસે ગયા વર્ષે 14 જુલાઈએ શરૂઆતમાં આ કેસ નોંધ્યો હતો. વ્હોટ્સએપ ગ્રુપ ગઝવા-એ-હિંદના સંચાલક મરઘુબ અહમદ દાનિશ ઉર્ફે “તાહિર”ની ધરપકડ પછી આ કેસ દાખલ કર્યો હતો. આ વ્હોટ્સએપ ગ્રૂપ ઝૈન તરીકે ઓળખાતા પાકિસ્તાનની નાગરિકે બનાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી તાહિરે ભારત તેમજ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને યમન સહિતના અન્ય દેશોના ઘણા લોકોને આ ગ્રૂપમાં સામેલ કર્યા હતાં. તેઓ ટેલિગ્રામ અને બીઆઈપી મેસેન્જર જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સક્રિય હતાં. ભારતમાં ગઝવા-એ-હિંદની સ્થાપનાના નામે યુવાનોને કટ્ટરપંથી બનાવવાના હેતુથી આ ગ્રૂપ બનાવવામાં આવ્યું હતું અને તેનું સંચાલન પાકિસ્તાન સ્થિતિ લોકો કરતા હતાં.