કોઈમ્બતુર કાર બ્લાસ્ટ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગુરુવારે તમિલનાડુમાં 43 સ્થળોએ સર્ચ કાર્યવાહી કરી હતી. કેન્દ્રીય એજન્સીએ કેરળના પલક્કડમાં પણ એક સ્થળે સર્ચ હાથ ધર્યું હતું.
એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “NIAએ ચેન્નાઈ, કોઈમ્બતુર, તિરુવલ્લુર, તિરુપુર, નીલગિરિ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ અને નાગાપટ્ટિનમ સહિત તમિલનાડુના 8 જિલ્લાઓમાં 43 સ્થાનો અને કેરળમાં પલક્કડ જિલ્લામાં એક સ્થાને સર્ચ કાર્યવાહી હાથ ધરી હતી.”
ગુરુવારના સર્ચ દરમિયાન NIAએ બ્લાસ્ટ કેસમાં શંકાસ્પદ લોકોના ઘરેથી ડિજિટલ ઉપકરણો અને ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
આ કાર બ્લાસ્ટ 23 ઓક્ટોબરે કોઈમ્બતુરમાં થયો હતો. આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓએ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા જમીશા મુબીન પાસેથી 75 કિલો વિસ્ફોટક અને દસ્તાવેજો જપ્ત કર્યા હતા. પોલીસે વિસ્ફોટને લોન વુલ્ફ હુમલો ગણાવ્યો હતો.
NIAએ જણાવ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટ માટે શપથ લીધા પછી મુબીને આત્મઘાતી હુમલા કરવાની યોજના બનાવી હતી અને ચોક્કસ સમુદાયમાં આતંક ફેલાવવાના ઇરાદા સાથે ધાર્મિક આસ્થાના પ્રતીકો અને સ્મારકોને વ્યાપક નુકસાન પહોંચાડવાની યોજના હતી.