કોવિડ રોગચાળાના બેકલોગને કારણે ઇંગ્લેન્ડમાં વસતા NHSના 124,000 દર્દીઓ એમઆરઆઈ, કોલોનોસ્કોપી અને હાર્ટ સ્કેન સહિતના ટેસ્ટ્સ માટે ત્રણ મહિના કરતા વધુ સમયથી રાહ જોઈ રહ્યા છે. ઈંગ્લેન્ડના કેટલાક ભાગોમાં તો એકંદર પ્રતીક્ષા યાદી બમણી થઈ રહી છે. આ સંખ્યા 2019માં માત્ર 5,675 લોકોની હતી જે આજે 22 ગણી વધારે છે. જો કે ધીમે ધીમે પરિસ્થિતી પૂર્વવત થઇ રહી છે.
NHS ઇંગ્લેન્ડના બંધારણ અનુસાર, ટેસ્ટ માટે હોસ્પિટલમાં રીફર કરાતા લોકોની છ સપ્તાહની અંદર સારવાર કરવામાં આવે તે જરૂરી છે. પરંતુ 306,000થી વધુ લોકો નિદાન માટેના ટેસ્ટની છ અઠવાડિયા કરતા વધુ સમયથી રાહ જોઈ રહ્યા છે. 2019 કરતાં આ આંકડો 7.6 ગણો છે. પરંતુ જૂન 2020ની સરખામણીએ તે ઓછો છે. રોગચાળાના સમયે આ આંકડો 539,433 લોકોનો હતો. જૂન માસમાં ટેસ્ટનું વેઇટીંગ લીસ્ટ 1.4 મિલિયન દર્દીઓનું હતું.
બ્રિટિશ મેડિકલ એસોસિએશનની જીપી કમિટીના અધ્યક્ષ ડૉ. રિચાર્ડ વૌટ્રેએ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટેના વેઇટીંગ લીસ્ટને “અવિશ્વસનીય રીતે ચિંતાજનક” ગણાવતાં કહ્યું હતું કે ‘’ઔપચારિક નિદાન એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી જીપી દર્દીઓને ટેસ્ટ માટે મોકલતા નથી. આ સંજોગોમાં ડાયગ્નોસ્ટિક વેઇટિંગ લિસ્ટમાં આટલો તિવ્ર અંદાજિત વધારો હેલ્થકેર ક્રાઇસીસનું પ્રતિનિધિત્વ કરે છે. પુરાવા કહે છે કે કેન્સર જેવી પરિસ્થિતિઓ માટે, વહેલું નિદાન અને પછીની સારવાર દર્દીના અસ્તિત્વની તક પર નોંધપાત્ર અસર કરી શકે છે. સરકાર તાત્કાલિક વેઇટીંગ લિસ્ટનો સામનો કરવા માટે એક વિશ્વસનીય વ્યૂહરચના વિકસાવી રહી છે.’’
કુલ 10 એક્યુટ ટ્રસ્ટોમાં 2019ની સરખામણીએ તેમનું ડાયગ્નોસ્ટિક વેઇટિંગ લિસ્ટ બમણુ થઈ ગયું છે. સમગ્ર ઇંગ્લેન્ડમાં છ અઠવાડિયા કરતાં વધુ સમયથી ટેસ્ટીંગ એપોઇન્ટમેન્ટની રાહ જોતા તમામ દર્દીઓમાંથી અડધાથી વધુ દર્દીને ત્રણમાંથી એક ટેસ્ટની જરૂર પડે છે. આ ટેસ્ટ છે: બિન-ગર્ભાવસ્થા સંબંધિત અલ્ટ્રાસાઉન્ડ, સંભવિત હૃદયની નિષ્ફળતા અને જન્મજાત હૃદય રોગની તપાસ માટેનું “ઇકો” સ્કેન અથવા એમઆરઆઈ શોધવા માટે વપરાય છે.
પેશન્ટ્સ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ રશેલ પાવરે કહ્યું હતું કે ‘’સ્પષ્ટ છે કે રોગચાળાએ હેલ્થકેરના દરેક પાસાને ખોરવી દીધુ છે”.
એનએચએસ ઇંગ્લેન્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે સરેરાશ રાહ જોવાનો સમય ઘટીને ત્રણ સપ્તાહથી ઓછો થઈ ગયો છે, અને છ સપ્તાહ કે તેથી વધુ સમયથી રાહ જોતા દર્દીઓની સંખ્યા ગયા વર્ષના આ સમયથી ઘટીને ત્રીજા ભાગ જેટલી થઇ છે.”