યુકેની હેલ્થકેર સિસ્ટમમાં સ્ટાફની તીવ્ર અછતને પહોંચી વળવા માટે NHS ભારતમાંથી 2,000 ડોકટરોને ઝડપી ધોરણે નિમણુંક આપવા પહેલ ચલાવી રહી છે ત્યારે ભારતમાં ડોકટરોની સૌથી મોટી સંસ્થા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ NHS ભરતી ઝુંબેશમાં ભાગ લેવાનો ઇનકાર કરી કહ્યું છે કે કુશળ ડોકટરોનું સ્થળાંતર ભારતની આરોગ્યસંભાળ પ્રણાલીને નબળી બનાવી શકે છે.
IMA ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. આરવી અસોકને જણાવ્યું હતું કે ‘’અમે ડોક્ટરોને વિદેશ મોકલવામાં રસ ધરાવતા નથીસ કારણ કે તે રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ છે અને તે ભારતીય તબીબી વ્યવસ્થાને નબળી પાડશે. NHS એવા વરિષ્ઠ ડોકટરો ઈચ્છે છે જેઓ પહેલેથી જ પ્રશિક્ષિત અને કુશળ હોય. જો NHS ભારતના યુવા સ્નાતકો માટે પ્રયત્ન કરતું હોત તો અમને તેમાં રસ પડ્યો હોત. પણ તેમની માંગ અને અમારી જરૂરિયાતોમાં અસંગતતા હતી.”
MBBS સ્નાતકોમાં બેરોજગારીના ભયજનક દરો પર પ્રકાશ પાડતા ડૉ. અસોકને નોંધ્યું હતું કે IMA યુવા મેડિકલ સ્નાતકો માટે તકોની હિમાયત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ભારતની 706 મેડિકલ કોલેજોમાંથી આગામી દાયકામાં 10 લાખથી વધુ બેરોજગાર ડોક્ટરો બહાર આવશે.
તેનાથી વિપરીત, NHSના તબીબી કર્મચારીઓમાં વિદેશમાં પ્રશિક્ષિત ડોકટરોની સંખ્યા 25-30 ટકા છે. બ્રિટનમાં ડોકટરોની અછત માટે નીચા વેતન, મોંઘી તાલીમ અને ભારે વર્કલોડનો સમાવેશ થાય છે. જેમાં બ્રેક્ઝિટે પરિસ્થિતિને વધુ વણસાવી છે.