NHS દ્વારા નિયુક્ત કરાયેલા ઇન્ટરનેશનલ મેડિકલ ગ્રેજ્યુએટ્સ (IMG)ની સંખ્યા ગયા વર્ષે યુકેની અંદરથી ભરતી કરાયેલા ડોકટરોની સંખ્યા કરતાં વધી ગઇ હતી. જેને પગલે વિકાસશીલ દેશોના તબીબી પ્રોફેશનલનો “શિકાર” કરવાની એનએચએસની નીતિ પર પ્રશ્નો ઉઠ્યા હતા. ઘણા લોકોની ભરતી ભારત અને પાકિસ્તાન જેવા દેશોમાંથી થઇ હતી, જે દેશો ડોકટરોની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે.
જનરલ મેડિકલ કાઉન્સિલ (જીએમસી)ના આંકડા અનુસાર, 2021માં NHSમાં કામ શરૂ કરનારા 19,977 ડોક્ટરોમાંથી માત્ર 7,377 અથવા 37 ટકાએ યુકેમાં મેડીસીનનો અભ્યાસ કર્યો હતો. જ્યારે 10,009 નવા તબીબોએ યુકે અને યુરોપિયન ઇકોનોમિક એરિયાની બહારથી અભ્યાસ કર્યો હતો.
ગયા વર્ષે 1,645 ડૉક્ટરો ભારતમાંથી અને 1,629 પાકિસ્તાનથી યુકે આવ્યા હતા. બન્ને દક્ષિણ એશિયાઈ દેશો નાઈજીરીયા અને સુદાન સાથે મળીને કાઉન્સિલમાં નોંધાયેલા IMG ના બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે.